આમચી મુંબઈ

Palghar Derailment: 24 કલાક પછી રેલવેએ લીધો રાહતનો શ્વાસ પણ….

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક ગૂડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટ (Palghar Derailment) પછી લગભગ 24 કલાકના અંતે ટ્રેનસેવા કાર્યરત થવાથી પ્રવાસીઓની સાથે રેલવે પ્રશાસનને રાહતનો શ્વાસ લીધો હતો. મંગળવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે પાલઘર રેલવે સ્ટેશનના યાર્ડમાં ગૂડ્સ ટ્રેનની એન્ટ્રી થઈ રહી ત્યારે ટ્રેનના છ વેગન રેલવેના પાટા પરથી ખડી પડ્યા હતા. ડિરેલમેન્ટને કારણે સુરત-મુંબઈ સેક્શનની લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન સેવા પર અસર પડી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: મધ્ય રેલવે પર પ્રવાસીઓના ‘મેગા’હાલ

બુધવારે ડિરેલમેન્ટ પછી દહાણુ-ચર્ચગેટની લોકલ ટ્રેનો રદ કરવાની સાથે લાંબા અંતરની પેસેન્જર સહિત મેલ-એક્સપ્રેસ ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી. ગુજરાતથી મુંબઈ આવનારી મોટા ભાગની ટ્રેનોને વાપી, વલસાડ સહિત નવસારીમાં ટ્રેનોને ટર્મિનેટ કરી હતી. મુંબઈ આવનારા મોટા ભાગના પ્રવાસીઓ રખડી પડ્યા હતા. ટ્રેનના બદલે રસ્તા માર્ગે ટ્રાવેલ કરવાનું પણ પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યું હતું.

જોકે, રેલવે 24 કલાક સુધી ટ્રેનની સર્વિસ ચાલુ નહીં કરતા ગરમી સાથે વેકેશનમાં કેટલી હાલાકી પડે એનો કોઈ ખ્યાલ નથી, જ્યારે તેના અંગે સોશિયલ મીડિયા એક્સ પર રેલવેની લોકોએ ઝાટકણી કાઢી હતી.

આ પણ વાંચો: VIDEO: લિવ-ઇન પાર્ટનરને ડરાવવા મહિલા રેલવે ટ્રેક પર કૂદી પડી, પાછળ ટ્રેન આવી અને…

ડિરેલમેન્ટ સંબંધમાં પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ડિરેલમેન્ટ મુદ્દે તપાસ માટે પાંચ સભ્યની સમિતિ નિમવામાં આવી છે. ડિરેલમેન્ટ પછી મેલ-એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી. શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવેલી વિવિધ સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત, બસની પણ વ્યવસ્થા કરી હતી. 24 કલાક પછી બુધવારે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે ટ્રેનો તમામ લાઈનમાં ચાલુ કરવામાં આવી હતી.

ડિરેલમેન્ટને કારણે રેલવેન પાટા, ઓવરહેડ વાયર સહિત અન્ય રેલવેની સામગ્રીને નુકસાન થયું હતું. છ વેગન રેલવેના પાટા પર ફંગોળ્યા બાદ પાટા પર લાવવાની સાથે અન્ય કામગીરીને પાર પાડવામાં 24 કલાકનો સમય લાગ્યો હતો. 300 ટનની ક્રેઈન સહિત અન્ય સામગ્રીને સાથે લગભગ 250 મજૂરની સાથે અન્ય અધિકારીઓને કામમાં જોતરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button