પાકિસ્તાની ડ્રોનનો ઉપયોગ શસ્ત્રો સપ્લાય કરવા માટે થયો હતો?
બાબા સિદ્દીકી હત્યાકેસ: નવ આરોપીની પોલીસ કસ્ટડી એક દિવસ લંબાવાઇ
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ત્રણ નહીં પણ ચાર પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ શસ્ત્રો ભારત મોકલવા માટે પાકિસ્તાની ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રો અનુસાર આ શસ્ત્રોની તસવીરો રાજસ્થાન પોલીસને મોકલવામાં આવી છે.
દરમિયાન બાબા સિદ્દીકી હત્યાકેસમાં ધરપકડ કરાયેલા નવ આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 26 ઑક્ટોબર સુધી લંબાવી આપી હતી. આરોપીઓની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી શુક્રવારે તેમને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.આર. પાટીલ સમક્ષ હાજર કરાયા હતા.
પોલીસે આરોપીઓની વધુ ત્રણ દિવસની કસ્ટડીની માગણી કરી હતી, પણ કોર્ટે તેમની કસ્ટડી શનિવાર સુધી લંબાવી આપી હતી.
નવ આરોપીઓમાં ગુરમેલ બલજીસિંહ, ધર્મરાજ કશ્યપ, હરિશકુમાર નિસાદ, પ્રવીણ લોણકર, નીતિન ગૌતમ સપ્રે, સંભાજી કિસન પારધી, પ્રદીપ દત્તુ થોંબ્રે, ચેતન દિલીપ પારધી અને રામ ફૂલચંદ કનોજિયાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતે પોતાના બે અંગરક્ષક સાથે બાંદ્રામાં મીટિંગમાં હાજર રહીને નિવાસે પાછા ફરી રહ્યા હતા ત્યારે પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ પર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસે બે શૂટર ગુરમેલ સિંહ અને કશ્યપને પકડી પાડ્યા હતા, જ્યારે શિવકુમાર ગૌતમ ફરાર થઇ ગયો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 14 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે શિવકુમાર, ઝીશાન અખ્તર તથા પુણેનો શુભમ લોણકર ફરાર છે.
લુધિયાણાથી વધુ એક પકડાયો
મુંબઈ: બાબા સિદ્દીકી હત્યાકેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે પંજાબના લુધિયાણાથી વધુ એકને પકડી પાડ્યો હતો, જેની ઓળખ 32 વર્ષના સુજિત કુમાર સુશીલ સિંહ તરીકે થઇ હોઇ લુધિયાણા સ્થિત સુંદરનગરથી તેને જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને પકડી પાડવામાં આવ્યો હતો. સુજિત કુમાર પોતાના સાસરે છુપાયો હતો, જેને બાદમાં ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો. આ કેસની તપાસમાં સુજિતનું નામ સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરાઇ હતી. સુજિત અગાઉ ઘાટકોપરમાં રહેતો હતો.