પ. રેલવેના પ્રવાસીઓ કલાકો સુધી રઝળ્યા
યાર્ડમાં જતી લોકલ ટે્રન ખડી પડતાં ટે્રનસેવા ખોરવાઇ
મુંબઈ: મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન નજીક બુધવારે એક લોકલ ટે્રન યાર્ડમાં જઇ રહી હતી તેનો એક કોચ ખડી પડવાને કારણે પશ્ચિમ રેલવેની સેવાને અસર થઇ હતી, એવું પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઈ નહોતી. ટે્રનનો કોચ ખડી પડવાને કારણે પશ્ચિમ રેલવેની લોકલ સેવાને અસર થઇ હતી અને ટે્રનો અડધો કલાક મોડી દોડતી હતી, જેને કારણે લાખો ઉતારુઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમુક ઉતારુઓના જણાવવા અનુસાર સ્લો ટે્રકની સેવાને અસર થઇ હતી. આને કારણે સ્લો ટે્રક પર મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ સ્ટેશન વચ્ચે લોકલ કતારબંધ ઊભી હોવાનું દૃશ્ય ખડું થયું હતું. જોકે અમુક ટે્રનોને ફાસ્ટ ટે્રક પર દોડાવવામાં આવી હતી.
દાદર સ્ટેશને ટે્રનની રાહ જોતી ઊભેલી મહિલા ઉતારુએ એવી ફરિયાદ કરી હતી કે તે 20 મિનિટથી ટે્રનની રાહ જોતી ઊભી હતી, પણ એક પણ ટે્રન આવી નહોતી. દાદર સ્ટેશન પર આ અંગે કોઇ એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવતું નહોતું. એક અઠવાડિયામાં ટે્રન પાટા ખડી પડવાનો આ બીજો બનાવ હતો.
શનિવારે એક માલગાડી ખડી પડવાને કારણએ પનવેલ-વસઈ રુટની ટે્રનોને અસર થઇહતી. જોકે એ ઘટનામાં પણ કોઇ જાનહાનિ નોંધાઇ નહોતી. (પીટીઆઈ)