મીઠી નદી આડેના 700થી વધુ બાંધકામ ફેબ્રુઆરી સુધીમાં જમીનદોસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મીઠી નદીને પહોળી કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. મીઠી નદીને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેક્ટમાં જોકે હજી પણ કલિના બ્રિજથી સીએસટી બ્રિજ વચ્ચેના 900 મીટરના પટ્ટામાં 700થી વધુ બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે. પાલિકાએ આ બાંધકામ હટાવવા અગાઉ તેમાંથી કાયદેસર રીતે વળતર મેળવવા માટે કોણ લાયક છે તેનો સર્વે હાથ ધર્યો છે. ત્યારબાદ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં આ ગેરકાયદે બાંધકામનો સફાયો કરવાનો નિર્ધાર કર્યો છે. જોકે તેમાંથી અમુક બાંધકામને હટાવવા પાલિકા માટે પડકારજનક સાબિત થશે એવો ડર પાલિકાના અધિકારીઓને સતાવી રહ્યો છે. મુંબઈમાં 2006માં આવેલા વિનાશકારી પૂર માટે જવાબદાર ગણાતી મીઠી નદીને છેલ્લા એક દાયકામાં પવઈથી માહિમ ખાડી સુધીના 17.8 કિલોમીટરના પટ્ટામાં પહોળી કરવામાં આવી છે. ક્રાંતિ નગર પાસે મીઠી નદી 60 મીટર જેટલી સાંકડી થઈ જાય છે, જે કુર્લા-કલિના બ્રિજ, કિસ્મત નગર અને સીએસટી બ્રિજ નીચેથી વહેતી આગળ બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ પાસે આગળ વહે છે. અહીં નદી 100 મીટરથી 220 મીટર સુધી પહોળી થઈ જયા છે અને આગળ માહિમ ખાડીને મળે છે. પરંતુ નદીને કિનારે ઊભા થયેલી ગયેલા અતિક્રમણને કારણે તેને પહોળી અને ઊંડી કરવાનું કામ અનેક જગ્યાએ અટકી પડ્યું છે. પાલિકાએ અહીં રહેલા વેરહાઉસ અને ગાળાઓને જગ્યા ખાલી કરવાની નોટિસ ફટકારી હતી, જેને તેઓએ કોર્ટમાં પડકારી હતી. તેને કારણે મીઠી નદીને પહોળી કરવાનું કામ અટકી ગયું હતું. ગયા વર્ષે 30 નવેમ્બરના રોડ પાલિકાએ કુર્લા વિસ્તારમાં કિસ્મત નગરમાં 56 ગેરકાયદે બાંધકામને તોડી પાડીને એક એકર જેટલી જગ્યા ખાલી કરાવી હતી. પાલિકાએ હવે આગામી એક મહિનામાં બીજી કાર્યવાહી કરવાની યોજના હાથ ધરી છે. `એલ’ વોર્ડ અધિકારીના જણાવ્યા મુજબ આગામી દિવસમાં અહીં રહેલા બાંધકામ કાયદેસરના છે કે નહીં અને વળતર માટે લાયક છે કે નહીં તેનો સર્વે કરવામાં આવવાનો છે. જો તેઓ કાયદેસર રીતે નાણાકીય અથવા વૈકલ્પિક જગ્યા માટે લાયક હશે તો તેમને આગામી આઠ દિવસમાં નોટિસ મોકલવામાં આવી છે. જોકે તેમાંથી અમુક લોકો કોર્ટમાં ગયા છે, તેથી બાકીના બાંધકામને આવતા મહિના સુધી તોડી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.