પાલઘરમાં ચાર ટ્રકમાંથી રૂ. 9.26 કરોડનો ગુટકા જપ્ત: ચારની ધરપકડ
મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે પાલઘરમાં હાઇવે પર ચાર ટ્રકમાંથી રૂ. 9.26 કરોડની કિંમતનો ગુટકા જપ્ત કરીને ચાર જણને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની ઓળખ હિરાલાલ વાસુ મંડલ (52), નાસીર મોહંમદઅલી યલગાર (40), જમીર મન્નન સૈયદ (32) અને સંજય શામ ખરાત (32) તરીકે થઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ 8 જાન્યુઆરીએ અંધેરીના ડી.એન. નગર વિસ્તારમાંથી ટ્રકને આંતરીને રૂ. 78.01 લાખનો ગુટકા પકડી પાડ્યો હતો અને ઇબ્રાહિમ ઇનામદારની ધરપકડ કરી હતી. ઇબ્રાહિમની પૂછપરછમાં મળેલી માહિતીને આધારે બીજે દિવસે કાંદિવલીમાં પાર્ક કરાયેલા ટેમ્પોમાંથી રૂ. 28.17 લાખનો પ્રતિબંધિત ગુટકા જપ્ત કરીને સંતોષકુમાર સિંહ અને કલીમ ખાનને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન પોલીસે ગુરુવારે પાલઘરમાં કાસા પોલીસ સ્ટેશનની હદમાં હાઇવે પર ચાર ટ્રકને આંતરીને રૂ. 9.26 કરોડનો ગુટકા જપ્ત કર્યો હતો. આ ગુટકાના જથ્થાને ટ્રકમાં મુંબઈ લાવી રહેલા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આમ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા પાંચ દિવસમાં રૂ. 10.32 કરોડનો ગુટકા અને રૂ. 1.80 કરોડના વાહનો જપ્ત કર્યાં હતાં.