ભાજપ સાથે નહીં જવાનું અમારું વલણ કાયમ રહ્યું છે : શરદ પવાર
પુણે: ભારતીય જનતા પાર્ટી સાથે હાથ નહીં મિલાવવાનું અમારું વલણ કાયમ સ્પષ્ટ રહ્યું છે અને એ અંગેના સૂચન આવ્યા હોય તો પણ પોતે એનું ક્યારેય સમર્થન નથી કર્યું એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે શનિવારે જણાવ્યું હતું. શ્રી પવારના ભત્રીજા અને બંડખોર એનસીપી નેતા શ્રી અજિત પવારે કાકા પર નિશાન તાક્યું એના એક દિવસ પછી શરદ પવારે એક અખબારી પરિષદમાં આ પ્રમાણે નિવેદન આપ્યા છે. શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે ‘અમારા વલણ વિરુદ્ધ અમારે ભાજપનું સમર્થન કરવું જોઈએ એવું સૂચન કોઈએ કર્યું હશે, પણ મારા સહિત પક્ષમાં અનેક લોકો એ સૂચન સાથે સહમત નથી થયા. ભાજપ સાથે નહીં જવાનું અમારું વલણ કાયમ સ્પષ્ટ રહ્યું છે.’
અજિત પવારનું નામ લીધા વિના શ્રી પવારે જણાવ્યું હતું કે જો કોઈ વહેલી સવારે શપથ લઈ પક્ષના આદેશ અનુસાર એ પ્રમાણે કર્યું હોવાનો દાવો કરતું હોય તો એ ગંભીરતાથી ન લેવું જોઈએ.’ અજિત પવાર બારામતી બેઠક પરથી ચૂંટણી લડશે એવા અજિત પવારના નિવેદન વિશે પવારે જણાવ્યું હતું કે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. હાલ આ બેઠક સુપ્રિયા સુળે પાસે છે. (પીટીઆઈ)