યુવક પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા હાર્ટએટેકના દરદીને પ્રાથમિક સારવાર આપવા લાઈફ સપોર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન
મુંબઇ : હાલમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સાંસદ મનોજ કોટક દ્વારા હાર્ટએટેક અંગે જાગૃતિ લાવવા અને આપાતકાલીન સ્થિતિમાં દર્દીને પ્રાથમિક સારવાર આપવા માટે યુવક પ્રેરણા ફાઉન્ડેશનના માધ્યમથી આ બેસીક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવ દેશ પ્રતિષ્ઠાન અને છબી સહયોગ ફાઉન્ડેશનના ડો. રવીન્દ્ર, ડો. વૈભવ, ડો. સ્નેહા અને ડો. રાહુલે માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છબી સહયોગ ફાઉન્ડેશન અને દેવ દેશ પ્રતિષ્ઠાન દ્વારા હાર્ટએટેક આવે ત્યારે દર્દીનો જીવ બચાવવા જનજાગૃતિ મોહિમ ચલાવવામાં આવી રહી છે.
આ મેડિકલ ટ્રેનિંગ કેમ્પમાં યુવક પ્રેરણા ફાઉન્ડેશનના ૧૦૦થી પણ વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બધા સ્વયંસેવકોને આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને કોઈનો જીવ બચાવવા માટે કેવી રીતે મદદરૂપ બનવું તેની જાણકારી ઑડિયો-વિઝ્યુઅલ અને પ્રત્યક્ષ રૂપે આપવામાં આવી હતી. મોરયા એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત પ્રેરણા રાસ ૨૦૨૩માં ખેલૈયાઓ અને દર્શકોના આરોગ્યની વિશેષ કાળજી લેતા સ્વયંસેવકોને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી.