અકસ્માતમાં મૃત્યુ પામેલા ક્લિનરના પરિવારને 22.37 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવી રહેલી કારની અડફેટમાં આવીને મૃત્યુ પામેલા બાવન વર્ષના ક્લિનરના પરિવારજનોને 22.37 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો.
એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ અવલોકન કર્યું હતું કે આ અકસ્માત કારના માલિકની બેદરકારી અને પૂરપાટ ગતિથી વાહન ચલાવવાનું પરિણામ હતું.
ટ્રિબ્યુનલે આ સાથે વીમા કંપની ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્શ્યૂરન્સ કંપની લિ.ને સંપૂર્ણ વળતરની રકમ ચૂકવવા અને તે બાદમાં કારમાલિક પાસેથી વસૂલ કરવા આદેશ આપ્યો હતો.
મૃતક રમેશ કમલાકર મોરે (52) ખાનગી કંપનીમાં ક્લિનર તરીકે કામ કરતો હતો. રમેશ મોરે 21 જૂન, 2021ના રોજ ગ્રામ વિકાસ ચોક નજીક રસ્તાની ડાબી બાજુથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે કારે તેને અડફેટમાં લીધો હતો. ગંભીર ઇજાને કારણે બીજે દિવસે તેનું મોત થયું હતું.
ટ્રિબ્યુનલે નોંધ કરી હતી કે અકસ્માત સમયે કારમાલિક પ્રમાણિત ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો નહોતો, જેથી તેણે વીમાની પોલિસીના નિયમોનો ભંગ કર્યો હતો.
સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતની તપાસમાં એવું જણાયું હતું કે કાર ડ્રાઇવર આરંભમાં ઘટનાસ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, પરંતુ બાદમાં પાછો આવીને રમેશ મોરેને હોસ્પિટલમાં લઇ ગયો હતો. ખારઘર પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટની સંબંધિત કલમો હબેઠળ આરોપનામું દાખલ કર્યું હતું.
મૃતકના પરિવારજનોએ 46.70 લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો, પણ ટ્રિબ્યુનલે મૃતકની આવક અને લાગુ કાનૂની માર્ગદર્શિકાને આધારે આખરી વળતર નિશ્ર્ચિત કર્યું હતું.
(પીટીઆઇ)
આ પણ વાંચો…પરિવારને 26.25 લાખનું વળતર પરિવારને 26.25 લાખનું વળતર