સાર્વજનિક શૌચાલયોની દિવસમાં પાંચ વખત સફાઈ કરવાનો આદેશ
ઝૂંપડપટ્ટીને સ્વચ્છ અને સુંદર બનાવો: મુખ્ય પ્રધાન
(તસવીર: અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્વચ્છતા ફક્ત કાગળો પર ન રહેતાં વાસ્તવમાં દેખાવી જોઈએ. મુંબઈના સાર્વજનિક શૌચાલયો અને સ્વચ્છતાગૃહોની દિવસમાં ઓછામાં ઓછી પાંચ વખત સફાઈ થવી જોઈએ એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે મુંબઈ મનપાના કમિશનરને આપ્યો હતો. કુર્લા ખાતેની વત્સલાતાઈ નાઈક નગરની એસઆરએ કોલોનીની મુલાકાત લીધા બાદ મુખ્ય પ્રધાને વહીવટીતંત્રની ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું હતું. ફક્ત મુખ્ય રસ્તાઓ, ચોક, સમુદ્ર કિનારાની સફાઈ કરવાની સાથે જ નાની ગલીઓમાં આવેલા રસ્તા, ઝૂંપડપટ્ટી ત્યાંના પરિસર, શૌચાલયો, ગટર વગેરેની સાફસફાઈ પણ કરવી એવો નિર્દેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો. સ્વચ્છતા માટે ‘એક તારીખ, એક કલાક’ની રાજ્ય સ્તરીય સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ રવિવારે ગિરગાંવ ચોપાટી ખાતે રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વગેરેના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક મુખ્ય પ્રધાન કુર્લા નહેરુનગર પરિસરની વત્સલાતાઈ નાઈક નગર એસઆરએ કોલોનીની મુલાકાતે પહોંચ્યા હતા. આ વિસ્તારમાં અસ્વચ્છતા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતાં તેમણે અધિકારીઓ અને કૉન્ટ્રેક્ટરોની ઝાટકણી કાઢી હતી. તેમણે રસ્તાઓ, નાની ગલીઓ, શૌચાલયો વગેરેની સફાઈ દિવસમાં પાંચ વખત કરવામાં આવે એવો આદેશ આપ્યો હતો.
મુંબઈમાં ઠેર ઠેર શ્રમદાન
મુંબઈ: મહાત્મા ગાંધી જયંતીની પૂર્વસંધ્યાએ મુંબઈમાં ઠેર ઠેર સ્વચ્છતા એ જ સાચી સેવા અભિયાન જોવા મળ્યું હતું. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ), મહા મુંબઈ મેટ્રો અને મોનોરેલમાં સફાઈ અભિયાનના લાક્ષણિક ઉદાહરણ નજરે પડ્યા હતા. વિવિધ વિભાગના કર્મચારીઓએ એકત્ર મળી શ્રમદાનમાં સમય અને શ્રમનું યોગદાન આપ્યું હતું.
સફાઈ સાથે દીવાલ પર રંગરોગાન
સ્વચ્છતા માટે એક કલાકના શ્રમદાનની હાકલ કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ એમએમઆરડીએના કર્મચારી ગાંધી બાપુને અંજલિ આપવા બાંદ્રા – કુર્લા કોમ્પ્લેક્સ ખાતે ભેગા થયા હતા. કર્મચારીઓએ એમએમઆરડીએ પરિસર ઉપરાંત આસપાસના વિસ્તારમાં સફાઈ કામ કર્યું હતું અને કમ્પાઉન્ડની દીવાલો પર રંગરોગાન પણ કર્યું હતું.
ભીડવાળા સ્ટેશન પર સફાઈકામ
મહા મુંબઈ મેટ્રોના કર્મચારીઓએ મેટ્રો-૨ અને મેટ્રો-૭ના સૌથી વધુ અવરજવર ધરાવતા બે સ્ટેશન પર શ્રમ દાન કર્યું હતું. રોડ બાજુના વિસ્તારની, ભીડવાળા પ્લેટફોર્મની અને બીજી મહત્ત્વની જગ્યાએ લગન સાથે સફાઈ કરવામાં આવી હતી. મોનોરેલની કાયાપલટ થઈ રહી છે અને એના ઉત્સાહી કર્મચારીઓ અલગ અલગ સ્થળે એકઠા થઈ સફાઈ કરી રહ્યા હતા.
રેલવેમાં ૧૪ મિનિટનો ચમત્કાર
રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવના માર્ગદર્શન અને નિર્દેશન હેઠળ ભારતીય રેલવેએ રવિવારે ઈતિહાસ સર્જ્યો હતો. મધ્ય રેલવેમાં સોલાપુર – મુંબઈ, મુંબઈ – સાઈ નગર શિરડી તેમજ બિલાસપુર – નાગપુર વંદે ભારત ટ્રેનોમાં ક્રમશ: સીએસએમટી, સાઈ નગર શિરડી અને નાગપુર સ્ટેશનો પર કેવળ ૧૪ મિનિટમાં સફાઈ કરવામાં આવી હતી.
થાણેમાં સ્વચ્છતા ઝુંબેશ: ૩૫૦ પોલીસ જવાનો જોડાયા
મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લાના સરકારી સંસ્થાઓ અને પોલીસ વિભાગ સહિતના સંસ્થાનો રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા ઝુંબેશમાં રવિવારે જોડાયા હતા. નવી મુંબઈના ડીસીપી સંજય પાટીલે કહ્યું હતું કે પોલીસ મુખ્યાલયમાં ૩૫૦ પોલીસ જવાનો સ્વચ્છતા ઝુંબેશમાં સામેલ થયા હતા. મોદી દ્વારા પોતાની મન કી બાતના એપિસોડમાં પહેલી ઓક્ટોબરે એક કલાક માટે સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવાની અપીલ કરવામાં આવી હતી.
ગિરગાંવ ચોપાટી પર રાજ્યપાલની સ્વચ્છતા ઝુંબેશ
મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે નાગરિકો સાથે મળીને ગિરગાંવ ચોપાટીમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી. આ સમયે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.
ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે જિલ્લા આયોજન વિકાસ સમિતિના ભંડોળમાંથી ત્રણ ટકા કિલ્લાના જતન, જાળવણી, સમારકામ અને સફાઈ માટે આરક્ષિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મન કી બાતના ૧૦૫મા હપ્તામાં વડા પ્રધાને એક તારીખ, એક ઘંટા, એક સાથનો નારો આપ્યો હતો. જેને પગલે સમાજના દરેક વર્ગના લોકોએ વિવિધ સાર્વજનિક સ્થળો જેમ કે માર્કેટ, રેલવે ટ્રેક, જળાશયો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો વગેરે સ્થળે સ્વચ્છતા ઝુંબેશ ચલાવીને સફાઈ કરી હતી.