અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ
નાગપુર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી પર ચર્ચા કરવાની મંજૂરી ન મળતાં બુધવારે વિપક્ષના સભ્યોએ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાંથી વોકઆઉટ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહની ટિપ્પણી દર્શાવે છે કે ભાજપ અને આરએસએસના નેતાઓ આંબેડકર પ્રત્યે ‘ઘણો દ્વેષભાવ’ ધરાવે છે અને તેમની પાસેથી માફીની માગણી કરી છે. બુધવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે, વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણી પર ચર્ચા કરવા માટે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: અમિત શાહની આંબેડકર પરની ટિપ્પણી: આ અનાદર સહનશીલતાની બધી હદો વટાવી ગયો છે: ઉદ્ધવ ઠાકરે
જોકે, શાસક પક્ષોના સભ્યોએ શિવસેના (યુબીટી)ના નેતા દાનવેના પગલા સામે વાંધો ઉઠાવ્યો.
ઉપસભાપતિ નીલમ ગોરેએ કહ્યું કે સંસદમાં બનતી ઘટનાઓ પર રાજ્ય વિધાન પરિષદમાં ચર્ચા થઈ શકતી નથી અને ઉમેર્યું કે તેઓ (વિપક્ષના સભ્યો) આ બાબતે રાજકારણ કરી રહ્યા છે. વિપક્ષ મહા વિકાસ આઘાડી (એમવીએ)ના સભ્યો ગૃહના મધ્યભાગે (વેલમાં) ભેગા થયા હતા. તેમણે શાહની ટિપ્પણી પર ચર્ચાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને પછી વોકઆઉટ કર્યું હતું. મંગળવારે રાજ્યસભામાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે પાર્ટીએ બંધારણને એક પરિવારની ‘ખાનગી જાગીર’ તરીકે ગણ્યું હતું અને સંસદ સાથે ‘છેતરપિંડી’ કરી હતી.
‘ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ પર બે દિવસની ચર્ચાનું સમાપન કરતા, ભાજપના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો અને એવો દાવો કર્યો કે પાર્ટી મુસ્લિમોને અનામત આપવા માટે 50 ટકા ક્વોટા મર્યાદાનો ભંગ કરવા માગે છે. (પીટીઆઈ)