હૉસ્પિટલમાં ત્રણ મહિલાઓનાં મોતને લઈને વિપક્ષનો એસેમ્બલીમાંથી વોકઆઉટ
નાગપુર: વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોએ રાજ્ય સંચાલિત હોસ્પિટલોમાં યોગ્ય સારવારના અભાવે ત્રણ મહિલાઓના મૃત્યુ થયા હોવાનો દાવો કર્યા પછી સત્તાધારી ગઠબંધનના સભ્યોએ બુધવારે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગને નિશાન બનાવ્યું હતું.
વિપક્ષી સભ્યોએ બાદમાં અહીં રાજ્ય વિધાનસભાના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાંથી એમ કહીને વોકઆઉટ કર્યું, કે તેઓ આ મામલે આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતના જવાબથી સંતુષ્ટ નથી.
પ્રશ્ર્નકાળ દરમિયાન, કૉંગ્રેસના ધારાસભ્ય વર્ષા ગાયકવાડે ગઢચિરોલી જિલ્લાની બે મહિલાઓના મૃત્યુનો મુદ્દો તેમજ બુલઢાણાની અન્ય એક મહિલાની ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણો માટે અકોલા ખસેડવામાં આવી હતી તેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ચર્ચા દરમિયાન, સંજય ગાયકવાડ (સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સત્તાધારી શિવસેના સાથે જોડાયેલા) અને ભાજપના યોગેશ સાગર આરોગ્ય વિભાગ પર ટીકા કરી. સંજય ગાયકવાડે જણાવ્યું હતું કે દર્દીઓના મૃત્યુ માટે જવાબદાર એવા આરોગ્ય અધિકારીઓને આવી ઘટનાઓની તપાસ કરવાનું કહેવામાં આવે છે. આનાથી આરોગ્ય વિભાગની કામગીરીમાં ક્યારેય સુધારો થશે નહીં.
સ્વાસ્થ્ય મંત્રી સાવંતે કહ્યું, હું ત્રણ મહિલાઓના મૃત્યુની તપાસ કરવા માટે વધારાના મુખ્ય સચિવની નિમણૂક કરીશ અને રિપોર્ટ સબમિટ કરવા માટે ૧૫ દિવસની સમયમર્યાદા આપીશ. જો કે, શાસક ગઠબંધનના સભ્યો તેમજ વિપક્ષી નેતાઓએ કહ્યું કે મંત્રીનો જવાબ સંતોષકારક નથી.
વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે માત્ર એક તપાસ સમિતિની નિમણૂક કરવી પૂરતું નથી અને આ મામલાની વિગતવાર તપાસ તેમજ સંબંધિત ડોક્ટરો સામે પગલાં લેવાની માગ કરી હતી. વડેટ્ટીવારે જણાવ્યું હતું કે તેમણે ગૃહમાં આ મુદ્દા પર આરોગ્ય પ્રધાનના રાજીનામાની પણ માંગ કરી હતી અને સ્પીકરના “સરમુખત્યારશાહી વલણ ને કારણે વોકઆઉટ કર્યો હતો. ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે (શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી તરફથી) કહ્યું કે દર્દી ડેન્ગ્યુથી પીડિત હતી અને દાવો કર્યો છે કે યોગ્ય સારવારનો અભાવ અને બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયું હતું. (પીટીઆઈ)