વિધાનસભા સત્રઃ મહારાષ્ટ્રમાં શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોની સહી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રધાનમંડળ વિસ્તરણ કર્યા પછી શિયાળુ સત્રનો આરંભ થયો છે ત્યારે શાસક પક્ષના ઠરાવ પર ગેરહાજર વિધાનસભ્યોના હસ્તાક્ષર મુદ્દે વિપક્ષે સરકાર પર ગંભીર સવાલો કર્યાં હતા.
શાસક પક્ષના ઠરાવ 293 પર 86 વિધાનસભ્યોની સહી છે. હકીકત એ છે કે હસ્તાક્ષર કરનારા 86 વિધાનસભ્યમાંથી 17 તો હજુ સુધી અધિવેશનમાં હાજર પણ નથી થયા. આ ગંભીર બાબત પર ઠાકરે જૂથના વિધાનસભ્ય ભાસ્કર જાધવે આંગળી ચીંધી છે. શિયાળુ સત્ર માટે આવ્યા ન હોવા છતાં ઠરાવ પર વિધાનસભ્યોના હસ્તાક્ષર કેવી રીતે થયા? એવો સવાલ કરી સ્પીકરે આ સવાલનો જવાબ આપવો જોઈએ એવી માંગણી ભાસ્કર જાધવે કરી હતી.
આ પણ વાંચો: અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ
ભાસ્કર જાધવે વધુમાં જણાવ્યું હતું કે ‘મેં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે શાસક પક્ષે તેનો વિરોધ કર્યો હતો. મેં હાજરી પત્રક બહાર કાઢ્યા છે અને સાબિત કર્યું કે સત્રમાં 17 સભ્યો ગેરહાજર હોવા છતાં દરખાસ્ત પર તેમના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.’
ભાસ્કર જાધવે શાસક પક્ષ પર આ પ્રસ્તાવ પર નકલી હસ્તાક્ષરો કરવાનો આરોપ મૂક્યો છે. પ્રસ્તાવ વખતે જો વિધાન સભ્યો હાજર નહોતા તો સહી કરી કોણે? આ વાતનો ખુલાસો થવો જ જોઈએ એવી માંગણી ભાસ્કર જાધવે સ્પીકર પાસે કરી છે.
પ્રધાન મંડળના વિસ્તરણના બે દિવસ બાદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ગુમ થયાની ચર્ચા હતી. અજિત પવારે નાગપુરમાં શિયાળુ સત્રમાં પણ ગેરહાજર હતા. ગળામાં દુખાવાની તકલીફ હોવાથી ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હોવાનું પક્ષે જણાવ્યું હતું.
છગન ભુજબળના આક્રમક વલણને કારણે અજિત પવારે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કર્યું હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. જોકે, આજે અજિત પવારે શિયાળુ સત્રમાં હાજરી આપી હતી.