મતદારોની યાદી ‘ખામીયુક્ત’, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં તેનો ઉપયોગ ન થવો જોઈએ: વિપક્ષી નેતાઓ...
આમચી મુંબઈ

મતદારોની યાદી ‘ખામીયુક્ત’, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં તેનો ઉપયોગ ન થવો જોઈએ: વિપક્ષી નેતાઓ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વિપક્ષી નેતાઓએ બુધવારે રાજ્યમાં ચૂંટણી પંચની જોરદાર ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે રાજ્યમાં મતદારોની યાદીઓ અત્યંત ખરાબ અને ખામીયુક્ત છે. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં આવી ખામીયુક્ત અને ખરાબ મતદારયાદીનો ઉપયોગ ન થવો જોઈએ, એમ એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ અને કોંગ્રેસના બાળાસાહેબ થોરાતે બુધવારે જણાવ્યું હતું.

મતદારોની યાદીમાં કથિત ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે બુધવારે સતત બીજા દિવસે વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારે અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમની સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી.

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે પણ હાજર હતા.
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આગામી બે મહિનામાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં યોજાવાની શક્યતા છે.
જયંત પાટીલે જણાવ્યું હતું કે ઈપીઆઈસી (મતદારોના ફોટો ઓળખ કાર્ડ) અને રાજકીય પક્ષો સાથે શેર કરાયેલી મતદારોની યાદીમાં ‘અપૂર્ણ અને ભ્રામક સરનામા’ યોગ્ય પ્રક્રિયાના ગંભીર ઉલ્લંઘનનો સંકેત આપે છે.

‘મતદાર યાદીઓ ખૂબ જ ખરાબ અને ખામીયુક્ત છે. ઘણા કિસ્સાઓમાં, આપેલા સરનામાં કાં તો ખોટા હતા અથવા મતદારો હવે ત્યાં રહેતા નહોતા. અમે સીઈઓ અને એસઈસીને ચોક્કસ ઉદાહરણો બતાવ્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું.
થાણે જિલ્લાના મુરબાડ વિધાનસભા ક્ષેત્રના બૂથ નંબર 8નો દાખલો આપતાં તેમણે કહ્યું હતું કે, ‘400 મતદારોના સરનામાને બદલે ડેશ મૂકવામાં આવ્યો હતો.’

અમરાવતીના બડનેરા વિભાગમાં, બૂથ નંબર 218 પર, 450 મતદારોના ઘરના સરનામા પહેલાં એક સંખ્યાત્મક શૂન્ય લખવામાં આવ્યું હતું. કામ્પ્ટી વિધાનસભા ક્ષેત્રમાં, 867 મતદાર ઓળખપત્રો કોઈપણ રહેણાંક સરનામા વિના જારી કરવામાં આવ્યા છે, એવો દાવો જયંત પાટીલે કર્યો હતો.

‘એક સુષમા ગુપ્તા છે જેનું નામ નાલાસોપારામાં છ અલગ અલગ નંબરો હેઠળ દેખાયું હતું. 12 ઓગસ્ટે મીડિયામાં આ મુદ્દો સામે આવ્યા પછી, તે જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં બધી છ એન્ટ્રીઓ કાઢી નાખવામાં આવી હતી. આ કાઢી નાખવાનો આદેશ કોણે આપ્યો? ફરિયાદ કોણે નોંધાવી? કયા અધિકારીએ ભૌતિક ચકાસણી કરી અને તારણ કાઢ્યું કે બધા ફોટા એક જ મહિલાના છે? આ બાબતે વહીવટીતંત્રે કોઈ જવાબ આપ્યો નથી,’ એમ તેમણે કહ્યું હતું.

એનસીપી (એસપી)ના નેતાએ દાવો કર્યો હતો કે કોઈ બાહ્ય એજન્સી ચૂંટણી ડેટાબેઝનું સંચાલન કરી રહી છે.
વધુ વિસંગતીઓ જણાવતાં, પાટીલે કહ્યું હતું કે નાસિક સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારમાં, 813 મતદારો એક જ ઘર નંબર – 3829 પર નોંધાયેલા દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે પુણે કેન્ટોનમેન્ટ બૂથ 30, ઘર નંબર 226માં એક સરનામા સાથે 869 નામો જોડાયેલા હતા.

‘આને હવે કારકુની ક્ષતી તરીકે નકારી શકાય નહીં,’ એમ તેમણે કહ્યું હતું. ‘અમે એવી માગણી કરી હતી કે ખોટા નામો દૂર કરવામાં આવે અને વાંધા વિન્ડો ત્રણ કે ચાર દિવસ લંબાવવાને બદલે યાદીમાં સુધારો કરવામાં આવે,’ એમ પાટીલે ઉમેર્યું હતું.
કોંગ્રેસના નેતા થોરાતે એમ પણ કહ્યું કે વિપક્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા અનિયમિતતાઓ દર્શાવી હતી, પરંતુ કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા.

‘કોલેજ હોસ્ટેલને પણ રહેણાંક સરનામા તરીકે સ્વીકારવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેના પર ક્યારેય કાર્યવાહી કરવામાં આવી ન હતી,’ એમ તેમણે કહ્યું હતું.
થોરાતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ત્યારથી મતદાર યાદીમાં કોઈ વ્યાપક સુધારો કરવામાં આવ્યો નથી.

‘વારંવાર વાંધાઓ છતાં, આવી ખામીયુક્ત યાદી ફરીથી આગળ ધપાવવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી અધિકારીએ અમને કહ્યું હતું કે વાંધાજનક નામો દૂર કરવાની જવાબદારી કમિશનની નથી. જો આવું વલણ હોય, તો આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પારદર્શક અને પ્રામાણિક કેવી રીતે થવાની અપેક્ષા રાખી શકાય?’ એમ તેમણે પૂછ્યું હતું.

નેતાઓએ એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે બિહારની જેમ મહારાષ્ટ્રમાં (જ્યાં તે આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં હાથ ધરવામાં આવી હતી) એસઆઈઆર કેમ હાથ ધરવામાં આવી રહી નથી. વિપક્ષી નેતાઓએ માંગ કરી હતી કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં વીવીપેટ (મતદાર ચકાસણી પેપર ઓડિટ ટ્રેઇલ) સિસ્ટમને મંજૂરી આપવામાં આવે.
તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બેલેટ પેપર પર મતદાન કરાવવાની પણ માગણી કરી હતી.

આ પણ વાંચો…બીએમસીની ચૂંટણી પહેલા મુંબઈમાં કેમ લાગ્યા છે યોગી આદિત્યનાથના પોસ્ટર

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button