નાંદેડ મૃત્યકાંડ મામલે કોર્ટની ફટકાર તો વિપક્ષની સીબીઆઈ તપાસની માંગ

નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 દર્દીઓના મોતનો મામલો બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યો છે. સમગ્ર મામલે તપાસ માટે સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. પરંતુ રચનાના 5 દિવસ બાદ પણ તેનો રિપોર્ટ સરકાર સુધી પહોંચ્યો નથી. આ બધા વચ્ચે બોમ્બે હાઇકોર્ટે સુઓમોટો નોંધ લેતા મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને 2 દિવસની અંદર હલફનામું દાખલ કરવા જણાવ્યું હતું. તો બીજી બાજુ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ સીબીઆઇ તપાસની માગ કરી છે.
31 દર્દીઓના કરૂણ મોતની આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા તેમ છતાં ઘટનાની જવાબદારી નક્કી થઇ શકી નથી. તપાસ સમિતિના રિપોર્ટની હજુસુધી રાહ જોવાઇ રહી છે. ઘટના જ્યારથી સમાચારોમાં ચમકી ત્યારથી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે. સત્તાપક્ષ અને વિપક્ષ સતત આક્ષેપબાજી કરી રહ્યા છે અને બીજી બાજુ જે દર્દીઓ મોતને ભેટ્યા છે. તેમના પરિવારજનોને એક રૂપિયાની પણ સહાય કે રાહતની કોઇ જાહેરાત સરકારે કરી નથી.
ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના પર નિવેદન આપ્યું હતું કે દર્દીઓના મોત મામલે શંકરરાવ ચવ્હાણના ડીન સામે કેસ દાખલ કરાયો છે તો સરકાર સામે કેસ કેમ દાખલ ન થઇ શકે. દર્દીઓના મોત મામલે સરકારને જવાબદાર ઠેરવતા ઉદ્ધવ ઠાકરેએ કેસની CBI તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.
બોમ્બે હાઇકોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લઇને સરકારની ઝાટકણી કાઢતાં 2 અઠવાડિયાની અંદર હલફનામું દાખલ કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે છેલ્લા 6 મહિનામાં હોસ્પિટલમાં દવાઓના સ્ટોક અને દવાઓની અછત મામલે લેવાયેલા પગલાની વિગતો પણ માગી છે. ટેન્ડર પ્રક્રિયાઓમાં સરકારે વર્તેલી ઢીલાશને પગલે આખો કાંડ સર્જાયો હોવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.
નાંદેડ પોલીસે હોસ્પિટલના ડીન વાકોડે અને અન્ય એક ડૉક્ટર સામે કલમ 304 હેઠળ FIR દાખલ કરી છે. હોસ્પિટલના 31 મૃતકો પૈકી એક મૃતકના પરિજને આ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે ડીન તથા હોસ્પિટલના આ તબીબની બેદરકારીને લીધે તેની પુત્રી અને તેના નવજાત શિશુ મોતને ભેટ્યા હતા.
હોસ્પિટલમાં દવાઓ ન હોવાને કારણે તે બહારથી દવાઓ લાવીને ડૉક્ટરના આવવાની રાહ જોતા બેસી રહ્યા પરંતુ ડૉક્ટર આવ્યા નહિ, તેઓ જ્યારે આ વાતની ડીનને ફરિયાદ કરવા ગયા તો ડીને પણ ધ્યાન ન આપ્યું તેવો આરોપ આ વ્યક્તિએ લગાવ્યો છે.