વિપક્ષ દ્વારા રામ મંદિરના વિનાશના વડા પ્રધાન મોદીના નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસે કહી આ વાત…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચારસભા દરમિયાન વિપક્ષ સત્તામાં આવશે તો રામ મંદિર પર બુલડોઝર ફેરવી નાંખશે તેવા આપેલા નિવેદનની કૉંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાનના આ નિવેદનની ટીકા કરતા કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ ભારતના દરેક નાગરિકની ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા કરવા માટે કટીબદ્ધ છે.
મુંબઈમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન 20મી મેના રોજ મતદાન યોજાવાનું છે તે પહેલા પ્રચારના છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરે, મલ્લિકાર્જુન ખડગે તેમ જ શરદ પવાર દ્વારા મુંબઈ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી એ દરમિયાન બોલતા ખડગેએ આ વાત કહી હતી.
વિપક્ષ સત્તામાં આવશે તો કલમ 370 કાશ્મીરમાં ફરી લાગુ કરશે, રામ મંદિર તોડી પાડશે, એસસી, એસટી અને ઓબીસી ક્વોટાનું અનામત હળવું કરશે, તેવા વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવતા ખડગેએ કહ્યું હતું કે કૉંગ્રેસ ક્યારેય આવું નહીં કરે.
જ્યારે ઉદ્ધવ ઠાકરેેએ કહ્યું હતું કે તેમની સત્તા આવશે તો તે રામ મંદિરનું અધૂરું બાંધકામ પૂરું કરશે. શરદ પવારે આ અંગે કહ્યું હતું કે અમે ક્યારેય મંદિરની જ નહીં, પરંતુ દરેક ધર્મના ધાર્મિક સ્થળોની રક્ષા કરીશું.
આ ઉપરાંત આ પત્રકાર પરિષદમાં વિપક્ષ દ્વારા વડા પ્રધાન મોદી સમાજનું વિભાજન કરવાનો પ્રયાસ કરતા હોવાનો તેમ જ લોકોને ખોટી રીતે ઉશ્કેરતા હોવાનો આરોપ પણ કર્યો હતો.