સુધરાઈની હૉસ્પિટલોમાં ઓપીડી સવારના આઠ વાગે ચાલુ થશે
મોડા આવનારા ડૉકટરો સામે આકરાં પગલાં લેવાની ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની હૉસ્પિટલોમાં ચાલતા આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)નો સમય હવે સવારના આઠ વાગ્યાનો કરી નાંખ્યો છે, તેને કારણે દરરોજ હજારોની સંખ્યામાં હૉસ્પિટલોમાં આવતા દર્દીઓને કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહેવાથી હવે રાહત મળવાની છે. સવારના સમયસર ઓપીડીમાં હાજર નહીં રહેનારા ડૉકટરો સામે આકરા પગલા લેવાની ચીમકી પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ આપી છે.
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત તમામ હૉસ્પિટલોમાં દરરોજ બહારના દર્દીઓ આવે છે, તેમની તપાસ માટે ઓપીડી ચલાવવામાં આવે છે. ઓપીડી સવારના જલદી ચાલુ કરવામાં આવતો ન હોવાને કારણે દર્દીઓને હાલાકી થતી હોય છે. તેથી તમામ મોટી હૉસ્પિટલોમાં ઓપીડી સવારના આઠ વાગ્યાથી ચાલુ કરવાનો નિર્દેશ તમામ હૉસ્પિટલોના ડીનને આપવામાં આવ્યો છે. તે મુજબનો સર્ક્યુલર પણ બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો.
પાલિકાની હૉસ્પિટલો દિવસના હજારો તો વર્ષમાં લાખો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સારવાર કરાવવા માટે તેમને કેસપેપર કાઢવા, ઓપીડી બહાર લાઈન લગાવીને લાંબા સમય સુધી ડૉકટરના આવવાની રાહ જોવી પડતી હોય છે. તે માટે દર્દી અને તેમના સંબંધીઓ વહેલી સવારથી આવીને લાઈન લગાવતા હોય છે. ત્યારબાદ પણ જોકે ઓપીડી સમયસર ચાલુ થતી ન હોવાથી ફરિયાદ હંમેશા દર્દીઓ કરતા હોય છે. તેની ગંભીર નોંધ પાલિકાના આરોગ્ય વિભાગે લીધી છે.
પાલિકાના મેડિકલ એજ્યુકેશન એન્ડ હૉસ્પિટલના ડાયરેકટરે એક સર્ક્યુલર બહાર પાડયું છે, જે નાયર, કેઈએમ, સાયન અને કૂપર હૉસ્પિટલના ડીનને મોકલવામાં આવ્યું છે. સર્ક્યુલર મુજબ તમામ હૉસ્પિટલમાં ઓપીડી સવારના આઠ વાગે ચાલુ કરવાની રહેશે. દર્દીઓને કેસ પેપર લેવા માટેની વિન્ડો પરની ભીડ ઓછી કરવા માટે દર્દીઓનું રજિસ્ટ્રેશન સવારના સાત વાગ્યાથી ચાલુ કરવાની રહેશે. તમામ ડૉકટરોએ અંદર આવતા અને બહાર જતા સમયે પોતાની હાજરી બાયોમેટ્રિકમાં કરવાની રહેશે. બાયોમેટ્રિક હાજરી ડૉકટરના પગાર સાથે જોડવામાં આવશે.
પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા પોતાની હૉસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સેવા સહિત અન્ય સેવામાં સતત સુધારો કરી રહી છે, જે અંતર્ગત થોડા દિવસ અગાઉ જ પાલિકાની હૉસ્પિટલમાં ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ અમલમાં મૂકવામાં આવ્યું છે. તેને કારણેે દર્દીને બહારથી દવા લખી આપવાનું બંધ કરીને હૉસ્પિટલમાંથી દવા ઉપલબ્ધ થવાની છે. પાલિકાની હૉસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને દવાની ખરીદી પર હાલ કરવામાં આવી રહેલા ખર્ચ કરતા ૧,૪૦૦ કરોડ રૂપિયા વધુ ખર્ચ પાલિકાને થશે એવું માનવામાં આવે છે.
પાલિકાના આરોગ્ય ખાતાના આપેલા આંકડા મુજબ પાલિકા સંચાલિત પરેલમાં આવેલી કેઈએમમાં ઓપીડીમાં આખા વર્ષ દરમિયાન ૨૧ લાખ ૫૨ હજાર દર્દી તો સાયન હૉસ્પિટલમાં ૧૯ લાખ દર્દી સારવાર માટે આવે છે. નાયર હૉસ્પિટલમાં ૧૧ લાખ તો કૂપરમાં સાડા સાત દર્દીઓ સારવાર માટે આવે છે. તો નાયર ડેન્ટલ કોલેજ અને હૉસ્પિટલમાં આઠ લાખ દર્દી આવે છે, એટલે પાલિકાની તમામ પાંચ મેડિકલ કૉલેજ અને જનરલ હૉસ્પિટલમાં આખા વર્ષ દરમિયાન ૬૮ લાખ ૨૦ દર્દીઓ પર સારવાર કરવામાં આવે છે.
એ સિવાય પાલિકાની ૧૬ ઉપનગરીય હૉસ્પિટલ, અન્ય હૉસ્પિટલ અને દવાખાના મળીને કુલ ત્રણ કરોડ દર્દીઓ પર ઓપીડીમાં સારવાર કરવામાં આવે છે, જેમાં ચિંચપોકલીમાં આવેલી સંસર્ગજન્ય બીમારી પર સારવાર કરતી કસ્તુરબા હૉસ્પિટલમાં વર્ષ દરમિયાન સવા લાખ, શિવડીની ટીબી હૉસ્પિટલમાં ૨૨,૫૦૦, કુષ્ઠરોગની વડાલામાં આવેલી એકવર્થ હૉસ્પિટલમાં ૨૧,૫૦૦, ફોર્ટમાં આવેલી ઈએનટી હૉસ્પિટલમાં ૬૮,૫૦૦ જેટલા દર્દીઓનો પણ સમાવેશ થાય છેે.