આમચી મુંબઈ
સુધરાઈની હૉસ્પિટલોમાં ઓપીડી સવારના આઠ વાગે ચાલુ થશે
મોડા આવનારા ડૉકટરો સામે આકરા પગલા લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની હૉસ્પિટલોમાં ચાલતા આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)નો સમય હવે સવારના આઠ વાગ્યાનો કરી નાંખ્યો છે, તેને કારણે દરરોજ હજારોની સંખ્યામાં હૉસ્પિટલોમાં આવતા દર્દીઓને કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહેવાથી હવે રાહત મળવાની છે. સવારના સમયસર ઓપીડીમાં હાજર નહીં રહેનારા ડૉકટરો સામે આકરા પગલા લેવાની ચીમકી પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ આપી છે.
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત તમામ હૉસ્પિટલોમાં દરરોજ બહારના દર્દીઓ આવે છે, તેમની તપાસ માટે ઓપીડી ચલાવવામાં આવે છે. ઓપીડી સવારના જલદી ચાલુ કરવામાં આવતો ન હોવાને કારણે દર્દીઓને હાલાકી થતી હોય છે. તેથી તમામ મોટી હૉસ્પિટલોમાં ઓપીડી સવારના આઠ વાગ્યા ચાલુ કરવાનો નિર્દેશ તમામ હૉસ્પિટલોના ડીનને આપવામાં આવ્યો છે. તે મુજબનો સર્કયુલર પણ બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો.