ગઠબંધનનો નિર્ણય લેશે ફક્ત ઉદ્ધવ અને રાજ: સંજય રાઉત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગઠબંધનનો નિર્ણય લેશે ફક્ત ઉદ્ધવ અને રાજ: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચેના સંભવિત જોડાણ અંગેનો નિર્ણય ફક્ત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જ લેશે અને અન્ય કોઈ દ્વારા આ મુદ્દે ટિપ્પણીઓ ગેરવાજબી છે, એમ શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની પાર્ટીના નેતાઓ રાજ ઠાકરેને સંદેશ મોકલી રહ્યા હોવા છતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ તાજેતરમાં મુંબઈની એક હોટલમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા, જેનાથી તેમના આગામી રાજકીય પગલા અંગે અન્ય અટકળો શરૂ થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકમાંથી ટીકાકાર બનેલા મનસેના વડા રાજ ઠાકરેએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને ટેકો આપ્યો હતો.

અહીં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે આ મુદ્દે કહ્યું હતું કે બંને ઠાકરે વચ્ચે ગઠબંધન અંગે નિર્ણય લેવા માટે ઉદ્ધવ અને રાજ જ અધિકૃત વ્યક્તિઓ છે.
‘મનસેના જે લોકો ગઠબંધન વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે તેઓ રાજકારણમાં મોડેથી આવ્યા છે. બીજા શું કહે છે તેનું કોઈ મૂલ્ય નથી. મેં ઘણા વર્ષોથી ઠાકરે ભાઈઓને નજીકથી જોયા છે. હું જાણું છું કે શું થવાનું છે અને શું નહીં. મારાથી વધુ સારી રીતે આ બધું કોઈ જાણતું નથી,’ એવો દાવો રાઉતે કર્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કાનૂની નોટિસ, શું છે મામલો?

તેઓ શિવસેના (યુબીટી) પર મનસેના નેતા સંદીપ દેશપાંડેની ટીકા અંગેના સવાલનો જવાબ આપી રહ્યા હતા.
‘ગઠબંધન અંગેનો નિર્ણય રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પક્ષના નેતા અને ભાઈઓ તરીકેની બાબતોને ધ્યાનમાં લઈને લેશે,’ એમ રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વર્ષના અંતે યોજાનારી પાલિકાની ચૂંટણીઓ પહેલાં ઠાકરે ભાઈઓ વચ્ચે સંભવિત સમાધાન અંગે અટકળો ચાલી રહી છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button