આમચી મુંબઈ

બૉયફ્રેન્ડ પરના કાળાજાદુને નાથવાના ચક્કરમાં યુવતીએ રૂપિયા ગુમાવ્યા…

મુંબઈ: બૉયફ્રેન્ડ પર એક યુવતીએ કરેલા કાળાજાદુને નાથવાને બહાને ઑનલાઈન ઠગે સાંતાક્રુઝમાં રહેતી યુવતી પાસેથી 3.47 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર જ્યોતિષ-કમ-તાંત્રિક તરીકેને ઓળખ આપી યુવતીને છેતરી હતી.

વાકોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 32 વર્ષની ફરિયાદી યુવતી ઑક્ટોબર, 2024માં પહેલી વાર ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં થાણેમાં રહેતા બૉયફ્રેન્ડને મળી હતી. જોકે તાજેતરમાં બૉયફ્રેન્ડ યુવતી સાથે ફોન પર વાતચીત કરવાનું ટાળતો હતો. પરિણામે બૉયફ્રેન્ડનું બીજી યુવતી સાથે અફૅર હોવાની શંકા ફરિયાદીને ગઈ હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે જાન્યુઆરી, 2025માં ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદીની નજર જ્યોતિષ-કમ-તાંત્રિકની વિગતો પર પડી હતી, જેમાં તાંત્રિકે માત્ર 251 રૂપિયા ચૂકવીને કોઈના અંગત જીવનની, તેના સંબંધોની અને કારકિર્દી સહિતની તમામ પ્રકારની માહિતી આપવાનો દાવો કરાયો હતો. પ્રેમમાં પડેલી ફરિયાદીને બૉયફ્રેન્ડ પર શંકા હોવાથી તાંત્રિકની મદદ લેવાનું તેણે નક્કી કર્યું હતું. આ માટે ફરિયાદીએ તેની અને બૉયફ્રેન્ડ સંબંધી બધી માહિતી તાંત્રિકને પૂરી પાડી હતી.

તાંત્રિકે ફરિયાદીને કહ્યું હતું કે તેના બૉયફ્રેન્ડ પર બીજી યુવતીએ કાળોજાદુ કર્યો છે, પણ બૉયફ્રેન્ડ તને જ ચાહે છે. કાળાજાદુની અસરને નાથવા અમુક વિધિ કરવી પડશે, એવું તાંત્રિકે કહ્યું હતું. બાદમાં વિવિધ વિધિને બહાને 53 ટ્રાન્ઝેક્શનથી ફરિયાદી પાસેથી 3.47 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : બેંગલુરુમાં પત્નીની હત્યા કરી મૃતદેહ સૂટકેસમાં છુપાવ્યો: પતિ સાતારામાં બેભાન મળ્યો…

આટલાં નાણાં પડાવ્યાં પછી તાંત્રિકે મોટી પૂજા માટે ફરિયાદીને રાજસ્થાન આવવાનું કહ્યું હતું, પરંતુ ફરિયાદીએ રાજસ્થાન જવાની ના પાડી હતી. બાદમાં તાંત્રિકે પોતે જ મુંબઈ આવશે, એમ કહ્યું હતું. ખાસ્સા દિવસ વીત્યા છતાં તાંત્રિક મુંબઈ આવ્યો નહોતો અને બૉયફ્રેન્ડ સાથેના ફરિયાદીના સંબંધોમાં પણ કોઈ સુધારો આવ્યો નહોતો. પોતે છેતરાઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ વાકોલા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button