પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: ૧૦ પકડાયા
૩૮ મોબાઈલ, ૬૧ ડેબિટ કાર્ડ, ૨૨ લાખનું સોનું અને ૧૦ લાખની રોકડ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે ૧૦ જણની ધરપકડ કરી હતી.
અંધેરી પૂર્વમાં રહેતી મીના મિરગુલે (૪૪)ની ફરિયાદને આધારે અંધેરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સુનીલ ચવ્હાણ (૨૭), ભીમાશંકર રાઠોડ (૨૪), સુજિત પાસી (૨૭) સહિત ૧૦ જણની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીમાંથી મોટા ભાગના રાયગડ જિલ્લાના રહેવાસી હોવાનું તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી ૩૮ મોબાઈલ ફોન, વિવિધ બૅન્કનાં ૬૧ ડેબિટ કાર્ડ, ૨૦ ચેક બુક, ૩૭ પાસ બુક, ૪૮ સિમ કાર્ડ, અંદાજે ૨૨ લાખ રૂપિયાના સોનાના દાગીના, ૧૦ લાખની રોકડ, લૅપટોપ સહિતની મતા જપ્ત કરવામાં આવી હતી.
આરોપીઓ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ બે ટકાના વ્યાજદરે લગભગ પાંચ લાખ રૂપિયાની લોન અપાવવાની ખાતરી નાગરિકોને આપતા હતા. લોન લેવા ઇચ્છુક વ્યક્તિના જરૂરી દસ્તાવેજો સહિતની માહિતી મેળવી લેવામાં આવતી. બાદમાં એ વ્યક્તિનો વિશ્ર્વાસ કેળવવા લોન મંજૂર થયાના બોગસ દસ્તાવેજો ઑનલાઈન મોકલવામાં આવતા. પછી લોન ફી સહિતનાં વિવિધ કારણો રજૂ કરી રૂપિયા પડાવવામાં આવતા હતા.
આ રીતે ઑનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ ધરી હતી. ફરિયાદીએ જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતો અને આરોપીના મોબાઈલ નંબરને આધારે પોલીસની ટીમ પનવેલ તાલુકાના કરંજડે સ્થિત એક સોસાયટીમાં આવેલા કૉલ સેન્ટર સુધી પહોંચી હતી. આ બોગસ કૉલ સેન્ટરની મદદથી નાગરિકોને છેતરવામાં આવતા હોવાનું તપાસમાં જણાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ નાગરિકોને છેતરવા ઉપયોગમાં લીધેલાં ૧૭ બૅન્ક ખાતાંની તપાસ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં સાત અને કર્ણાટકનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ૪૫ કેસોમાં આ બૅન્ક ખાતાંનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં જણાયું હતું.