મંડપ ઊભો કરવા અત્યાર સુધી ૧૨૦૦ ગણેશમંડળોની ઓન લાઈન અરજી: મંજૂરી માટે ૩૧૧ મંડળોને
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને મંડપ ઊભો કરવા માટે મંજૂરી લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઓનલાઈન વન વિન્ડો સિસ્ટમની સગવડ છ ઑગસ્ટથી ઉપલબ્ધ કરી આપી છે, જેમાં રાજ્ય સરકારના નિર્ણય મુજબ છેલ્લા ૧૦ વર્ષથી નિયમ અને કાયદાનું પાલન કરનારા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને આ વર્ષના ગણેશોત્સવથી સળંગ પાંચ વર્ષ માટે વોર્ડ સ્તરે એક જ વખતમાં મંજૂરી આપવામાં આવવાની છે. તે માટે અત્યાર સુધી ૧,૨૦૦ મંડળોએ અરજી કરી છે.
ગણેશોત્સવ નજીક છે ત્યારે સાર્વજનિક મંડળો દ્વારા મંડપ ઊભો કરવાનું કામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે.
સાર્વજનિક સ્થળે મંડપ ઊભો કરવા માટે પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડ, ટ્રાફિક પોલીસ સહિત અનેક સરકારી એજન્સીઓની મંજૂરી લેવાની આવશ્યક હોય છે. આ તમામ પ્રકારની મંજૂરીઓ માટે દરેક જગ્યાએ રખડવું ના પડે તે માટે પાલિકાએ છ ઑગસ્ટથી વન વિન્ડો ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરી છે, જેના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ મળેલી અરજી પર વોર્ડ સ્તરે સ્ક્રુટીની કરવામાં આવે છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ પાસેથી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ ઓનલાઈન મેળવ્યા બાદ સંબંધિત નિયમ અનુસાર મંડપોને મંજૂરી આપવામાં આવી રહી છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ છ ઑગસ્ટથી વન વિન્ડો સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી ૧,૨૦૦થી વધુ મંડળોએ ઓનલાઈન અરજી કરી છે. વોર્ડ સ્તરે તમામ પ્રકારની સ્ક્રુટીની બાદ અત્યાર સુધી ૩૧૧થી વધુ ગણેશમંડળોને ઓનલાઈન મંજૂરી આપી દેવામાં આવી છે. બાકીની અરજીની સ્ક્રુટીનીનું કામ પાલિકા, મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસ કરી રહી છે.
આ વર્ષે પહેલી વખત જ મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ મંડપ માટે સળંગ પાંચ વર્ષ માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. જોકે મંડળોને દર વર્ષે આ મંજૂરીને રિન્યુ કરવાનું રહેશે, જેમાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસની મંજૂરી મેળવવાની પણ આવશ્યક રહેશે.
Also Read –