ડુંગળીના ભાવ જૂન-જુલાઈ સુધી ઘટશે નહીં
નવી મુંબઈ: હવામાન ફેરફારને કારણે ગયા વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. હવે ફરી કમોસમી વરસાદના કારણે ખેતરમાં ડુંગળીનો પાક ખરાબ થયો હતો. પરિણામે ડુંગળીની અછત યથાવત રહેશે અને જૂન અને જુલાઇ મહિનામાં સારી ડુંગળી મળે તેવી સંભાવના છે. ત્યાં સુધી બજારમાં ડુંગળીના ભાવ ઊંચા રહેશે તેવું વેપારીઓનું અનુમાન છે.
વર્ષ દરમિયાન અનિયમિત હવામાન અને કમોસમી વરસાદના કારણે ખેતપેદાશોને મોટું નુકસાન થયું છે. તેની અસર રોજિંદા વપરાશ માટે જરૂરી કઠોળ, શાકભાજી પર જોવા મળી રહી છે. ડુંગળીના પાકને ભારે ફટકો પડ્યો હતો. ડુંગળીની અછતને પહોંચી વળવા કેટલાક વેપારીઓ વિદેશથી
ડુંગળી આયાત કરતા હતા. મુંબઈના હોલસેલ માર્કેટમાં આવતી કુલ ડુંગળીમાંથી માત્ર ૨૦ ટકા જ સારી ગુણવત્તાની છે. ૮૦ ટકા ડુંગળી ગૌણ ગુણવત્તાની છે. જથ્થાબંધ ડુંગળી પાણીમાં પલળેલી, ભેજવાળી હોય છે. તેથી તે લાંબો સમય ટકતો નથી. ખેડૂતો પલળેલી ડુંગળીને સૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે પછી, તેઓ ખેતરમાં નવી ડુંગળી રોપશે અને ડુંગળી બજારમાં પહોંચે તે પહેલાં ચોમાસું શરૂ થઈ જશે. જેથી ત્યાં સુધી બજારમાં ડુંગળીની અછત રહેશે. વેપારીઓએ આગાહી કરી હતી કે ડુંગળીના ભાવમાં વધારો ચાલુ રહેશે.