મહારાષ્ટ્રમાં ખેડૂતોને રાહત આપવા માટે એકનાથ શિંદે સરકાર આ કામ કરશે

મુંબઈ: ગયા વર્ષે કાંદાના ભાવ વધતા સોશિયલ મીડિયામાં તેની સરખામણી સોના સાથે થઇ હતી. લાગે છે હવે એ સાચું થવા જઈ રહ્યું છે, કેમકે સરકાર હવે ડુંગળીની બેંક શરુ કરવાની યોજના બનાવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર કાંદાની મુખ્ય ખેતી કરતા ખેડૂતોને રાહત આપવા માટે ઘણી જગ્યાએ કાંદાની બેંકો શરૂ કરશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે જણાવ્યું હતું.
પ્રોજેક્ટની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા, મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કાંદાનો સંગ્રહ સૌર ઊર્જાનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જેથી ખેડૂતો પાકના સારા ભાવ મળે ત્યાં સુધી રાહ જોઈ શકશે. આ પ્રોજેક્ટ અહેમદનગરના રાહુરીથી શરૂ થશે, જ્યાં કાંદાનું ઉત્પાદન વધારે છે એવા નાસિક, છત્રપતિ સંભાજીનગર અને સોલાપુરમાં તરત જ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કાંદાની બેંક હિન્દુસ્તાન એગ્રો દ્વારા શરૂ થશે.
રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની જગ્યાઓનો ઉપયોગ આ હેતુ માટે કરવામાં આવશે. સમૃદ્ધિ એક્સપ્રેસ વેની સમાંતરે ૧૦ સ્થળોએ ડુંગળીની બેંકો પ્રસ્તાવિત છે. શિંદેએ અધિકારીઓને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ડુંગળી બેંક વિસ્તારમાં મૂલ્ય વૃદ્ધિ કરનાર સુવિધાઓ વિકસાવવા પણ નિર્દેશ આપ્યો હતો.