પોલીસ સ્ટેશનમાં વિધાનસભ્ય દ્વારા ગોળીબારના કેસમાં વધુ એક પકડાયો
મુંબઈ: ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ દિવેશ ઉર્ફે વિકી ગણાત્રા (37) તરીકે થઈ હતી. પોલીસ સ્ટેશનમાં ગોળીબારની ઘટના બાદથી વિધાનસભ્યનો સમર્થક વિકી ફરાર થઈ ગયો હતો. પોલીસે મંગળવારે તેને પકડી પાડ્યો હતો.
વિકીની ધરપકડ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ચાર પર પહોંચી હતી, જેમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડનો પણ સમાવેશ થાય છે.
ગોળીબારની ઘટનાની તપાસમાં વિકીનું નામ સામે આવ્યા પછી પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. મળેલી માહિતીને આધારે થાણે પોલીસના એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ મંગળવારની સાંજે કલ્યાણ પરિસરમાંથી તેને તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરની કૅબિનમાં બીજી ફેબ્રુઆરીએ કલ્યાણ પૂર્વના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને અન્ય એક વ્યક્તિ પર કથિત ગોળીબાર કર્યો હતો. આ કેસમાં ગાયકવાડ, વિકી અને અન્ય ચાર જણ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટના બાદ પોલીસે ગણપત ગાયકવાડ સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. આ કેસમાં ગાયકવાડના પુત્ર વૈભવને પણ આરોપી તરીકે દર્શાવાયો છે. (પીટીઆઈ)