ચુનાભટ્ટીમાં ભરબપોરે અંધાધૂંધ ગોળીબારમાં એકનું મોત: 3 જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચુનાભટ્ટીમાં બાઈક પર આવેલા બે હુમલાખોરેએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ જણ ઘવાયા હતા. ગોળીબાર કરી ફરાર થયેલા હુમલાખોરોની શોધ માટે પોલીસ અધિકારીઓની નવ ટીમ બનાવવામાં આવી હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ચુનાભટ્ટી પરિસરની આઝાદ ગલી ખાતે રવિવારે બપોરે 3.15 વાગ્યાની આસપાસ બની હતી. ગોળીબારમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ સુમિત યેરુણકર તરીકે થઈ હતી.
સુમિત તેના મિત્રો સાથે રસ્તા પર વાતચીત કરતો ઊભો હતો ત્યારે બાઈક પર બે હુમલાખોર ત્યાં આવ્યા હતા. હુમલાખોરોએ 16 રાઉન્ડ ફાયર કર્યા હોવાનું કહેવાય છે. આ હુમલામાં જખમી ત્રણ જણને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
બનાવની જાણ થતાં ચુનાભટ્ટી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપીઓની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી હોઈ તેમની શોધ માટે પોલીસ અધિકારીઓની નવ ટીમ બનાવવામાં આવી હતી. અંગત અદાવતને કારણે આ ગોળીબાર કરાયો હોવાનું પ્રથમદર્શી જણાયું હતું.