એક હિન્દુ, શ્રેષ્ઠ હિન્દુ આપણા એક થવાનો અવસર
નીલેશ દવે
અયોધ્યા ખાતે એક સાધુ જાણે કે સનાતન ધર્મના શરૂઆતનો શંખનાદ કરી રહ્યો છે
કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે ઈતિહાસ રચતી હોય છે, સદીઓ પહેલાં શિવાજીએ કરેલા હિન્દવી સ્વરાજ્યની સ્થાપના હોય કે મહાત્મા ગાંધીજી પ્રેરિત ભારત છોડો ચળવળ. આવી ઘટનાઓ સમગ્ર જનમાનસને દોરતી હોય છે. આવી ઘટનાઓમાં અચાનક જ લોકો સ્વયંભૂ રીતે જોડાતા હોય છે, નાતજાત, ઊંચનીડ, શ્રીમંત-તવંગર તમામ લોકો એક અવાજે એક સાથે આવી ઘટનાઓમાં જોડાતા હોય છે. 22મી જાન્યુઆરી 2024ના ફરી વખત આવી એક અભૂતપૂર્વ ઘટના સર્જાઈ. આ દેશના સમગ્ર નાગરિકો એક સાથે એક છત નીચે એક પર્વની ઉજવણીમાં જોડાયા અને એ પર્વ એટલે આ દેશમાં ફરીથી સનાતન ધર્મની સ્થાપનાનું પ્રથમ પગથિયું, શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને 500 વર્ષથી હિન્દુઓ જે સ્વપ્ન જોઈ રહ્યા હતા તે સ્વપ્નની પૂર્ણાહુતિ અને નવા સ્વપ્નની શરૂઆત, હિન્દુ રાષ્ટ્ર.
સૈકાઓથી હિન્દુ સમાજ પોતાના જ રાષ્ટ્રમાં અણગમતો, અછૂત હોય તેવી રીતે હાંસિયામાં ધકેલાયો હતો. આ ધર્મમાં અનેક પંથ હતા અને આ સૌ પંથ અલગ અલગ રસ્તે પોતાના ધ્યેય તરફ આગળ હતા, પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ પહેલી વખત હિન્દુ કે સનાતન ધર્મના તમામ સંપ્રદાય એક થયા, આજે કોઈ જૈન નથી, કોઈ વૈષ્ણવ નથી, કોઈ સ્વામિનારાયણ નથી કે બ્રાહ્મણ નથી, સહુ રામમય છે અને એ પણ પોતાની મરજીથી જ. સમગ્ર જૈન સમાજ હોય કે વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ પંથ હોય કે હરે રામ હરે કૃષ્ણ મિશન સહુએ સનાતનની એકતાનો પરચો સમગ્ર વિશ્વને કરાવ્યો, સમગ્ર દેશના એક એક ઘરમાં, એક એક ગલીએ, ગામમાં, નગર કે શહેરમાં ક્યાંય કોઈ આ ઉજવણી બાકી ન હતી, અને આ ઉજવણીની સૌથી મોટી વાત એ હતી કે આ આપણો ઉત્સવ છે, કોઈને ઉતારી પાડવાની, નીચા દેખાડવાની કે હારજીતની કોઈ જ વાત નહીં, સહુનો સ્વીકાર અને આવે કે ન આવે, માને કે ન માને સહુને આવકાર. માત્ર મર્યાદા પુુરુષોત્તમ શ્રીરામ જ આવું માસ હિપ્નોટિઝમ કરી શકે, વિશ્વમાં આવી બીજી કોઈ શક્તિ છે જ નહી.
આ સમગ્ર ઉત્સવની બીજી સૌથી મોટી વાત એ હતી કે જે સમગ્ર દેશનું યુવાધન જે કોઈ પણ ધાર્મિક ક્રિયામાં જોડાતા શરમ અનુભવતું, જય શ્રીરામ કે જય શ્રીકૃષ્ણ કે જય માતાજી જેવા આપણા ધાર્મિક ઉચ્ચારો બોલવાનું ટાળતા, આપણા નારાઓની જગ્યા હાય, હલો, ગુડમોર્નિંગે લઈ લીધી હતી તેને બદલે આ ઉત્સવમાં આ યુવાનો સૌથી આગળ હતા, જય શ્રીરામના નારામાં એક પ્રકારની ઊર્જા દેખાતી હતી, એક પ્રકારની એકતા દેખાતી હતી. ધર્મ, સનાતની પરંપરા જે આ દેશની ધરોહર છે જે કેટલાક દાયકાઓથી આપણા યુવાનોમાંથી મોટા ભાગે ગાયબ થઈ ગઈ હતી તે પાછી ફરી હોય તેવી અનુભૂતિ આ ઉત્સવના ફળસ્વરૂપે થઈ રહી છે. આ પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવમાં માત્ર અયોધ્યા ખાતે શ્રીરામની મૂર્તિમાં જ પ્રાણની પ્રતિષ્ઠા નથી થઈ, પરંતુ આપણા યુવાનોમાં પણ પ્રાણની પ્રતિષ્ઠા થઈ છે. આ એજ યુવાધન છે જે આવનારા સમયમાં આપણા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા સમર્થ અને સક્ષમ છે અને આનું શ્રેય માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને જ મળવું જોઈએ કેમ કે આ દેશ પર જેનો સૌથી પહેલો અધિકાર છે અને તેમ છતાં પોતાનો હક મેળવવામાં જે સૌથી છેલ્લો છે તેવા હિન્દુઓને અને યુવાનોને જગાડવાનું કામ તો તેમણે કર્યું છે. આવનારી સદીઓ હવે માત્ર ભારતના નેતૃત્વની જ છે એ વાત સો ટકા નક્કી.
જય શ્રીરામ