બુલઢાણામાં આપઘાતના પ્રયાસ માટે એકની અટકાયત
મુંબઈ: મરાઠા સમુદાયને આરક્ષણની માગણી સાથે બુલઢાણામાં યોજાયેલા મોરચા દરમિયાન સ્ટેડિયમની ગૅલેરીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનારા ૪૦ વર્ષીય સંભાજી ભાકરેને પોલીસે અટકાયતમાં લીધો છે. બુધવારે પૂર્વ મહારાષ્ટ્રના બુલઢાણામાં મરાઠા આરક્ષણની માગણી સાથે મોરચો યોજવામાં આવ્યો હતો. મોરચા પૂર્વે બપોરે ૧૨.૩૦ વાગ્યે બુલઢાણાના બોરાખેડીના એક સ્ટેડિયમમાં મરાઠા સમુદાયના લોકો એકઠા
થયા હતા ત્યારે આ ઘટના બની હતી. સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની માગણી સાથે મોરચો કાઢવા માટે મરાઠા સમુદાયના લોકો બોરાખેડીના સ્ટેડિયમમાં ભેગા થયા હતા. એ વખતે બુલઢાણા પાસેના કાન્દેરી ગામેથી આવેલા સંભાજી ભાકરેએ સ્ટેડિયમની ગૅલેરીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે સ્ટેડિયમમાં ફરજ પર હાજર પોલીસ જવાનોએ તેને કૂદતાં રોક્યો હતો.
મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંતરવલી સરતી ગામમાં નેતા મનોજ જરાંગેએ ૨૯ ઑગસ્ટથી બેમુદત ભૂખ હડતાળ શરૂ કર્યા પછી મરાઠા આરક્ષણનો મુદ્દો ફરી જ્વલંત બન્યો હતો. ત્યારપછી છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં મરાઠા આરક્ષણના સમર્થનમાં મોરચા યોજાઈ રહ્યા છે. (એજન્સી)