૧૪મી ડિસેમ્બરના માથાડી કામદારોની એક દિવસીય હડતાળ
નવી મુંબઈ: માથાડી મજૂર અધિનિયમ પાયમાળ થઈ રહ્યો હોઈ ૧૪ ડિસેમ્બરે એક દિવસીય રાજ્યવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં પહેલીવાર શાકભાજી-ફ્રૂટ માર્કેટ અને ખાનગી કંપનીઓના કામદારો પણ હડતાળ પર ઉતરશે. માથાડી એક્ટના બચાવ માટે તમામ માથાડી મજૂર આગેવાનો દ્વારા તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાનને પત્રો લખી માગણીઓ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ તેને ગંભીરતાથી લીધી નહોતી. છેલ્લા કેટલાક વર્ષોમાં માથાડી લેબર રિફોર્મ બિલના નામે જે દરખાસ્તો આવી તેમાં માથાડી લેબર એક્ટનો નાશ થઇ રહ્યો હોવાથી તેનો સતત વિરોધ દર્શાવવા છતાં તેની અવગણના કરવામાં આવી રહી છે. જો આ કાયદો અમલમાં આવશે તો માથાડી એક્ટનો ૮૦ ટકા ભાગ નષ્ટ પામશે. સુધારાના પગલાં તરીકે સરકારનું ધ્યાન ખેંચવા માટે ૧૪ ડિસેમ્બરના રોજ એક દિવસીય પ્રતીકાત્મક બંધ પાળવામાં આવશે. બંદરો, વેરહાઉસ, ખાનગી કંપનીઓના કામદારો આ બંધમાં ભાગ લેશે. માથાડી મજૂર અધિનિયમમાં માથાડી બોર્ડ, મંડળ વગેરેમાં ભરતી વખતે માથાડી કામદારોના બાળકોને અગ્રતા આપવી જોઈએ. માથાડી લેબર એક્ટના દુરુપયોગને રોકવા માટે નક્કર પગલાં લેવા જેવી તેમની મુખ્ય માગણી છે.