આમચી મુંબઈ

ચોપાટીનાં કિનારે ૨,૫૫૦માં મહાવીર નિર્વાણ દિનની મહાઆરતીમાં મહેરામણ ઉમટ્યો

મુંબઈ: ભગવાન મહાવીરનાં ૨,૫૫૦માં નિર્વાણ વર્ષનાં પ્રારંભે જૈન ધર્મના તમામ ફિરકાઓ દ્વારા યોજાયેલી મહાઆરતીમાં ઉમટેલાં માનવ મહેરામણે હજારોની સંખ્યામાં દિપ પ્રગટાવીને ભગવાનને મોક્ષ ગતિ પ્રાપ્ત થઇ તેની ઉજવણી કરી હતી. મુંબઇનાં ગિરગામ ચૌપાટીનાં સમુદ્ર કિનારે આહલાદક દૃશ્યો વચ્ચે થયેલી ઉજવણીમાં શહેર ભરમાંથી પધારેલા જૈનાચાર્યો, સાધુ સાધ્વીઓ તથા જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને ભગવાન મહાવીરની મોક્ષ ગતિની પળના સાક્ષી બન્યા હતા.
જૈનોનાં શ્ર્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તથા તેરાપંથી એમ ચારેય ફિરકાનાં તમામ ગચ્છો, સંપ્રદાયોના જૈનાચાર્યો-પ્રભુભક્તોનાં આ સામુહિક આયોજનમાં મુંબઇનાં ૫૦૦થી વધારે સંઘોને આમંત્રણ અપાયા હતા.
સોમવારે સાંજે છ વાગ્યે શરૂ થયેલી મહાવીર નિર્વાણ દિનની ઉજવણી જૈન સમાજનાં ઇતિહાસમાં ન ભુતો ન ભવિષ્યતિ જેવી ઘટના બની હતી. મહાવીર ભગવાનનાં ૨,૫૫૦મા નિર્વાણ દિનની ઉજવણી માટે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને લખેલા વિનંતી પત્રને માન્ય રાખી સમગ્ર મહારાષ્ટ્રમાં આ ઉજવણીની પરવાનગી આપી તે બદલ જૈન સમાજે સરકારનો આભાર માન્યો હતો. આ સમગ્ર આયોજનની પરિકલ્પના કરનાર આચાર્ય સાગર ચંદ્ર સાગર સુરિશ્ર્વરજી મહારાજે જૈન ધર્મ સિદ્ધાંતો આજની પૃથ્વી ઉપરની પર્યાવરણ, હિંસા, વેરભાવ જેવી સમસ્યાઓ સામે કેવી રીતે સમાધાન કરી છે તેનો ઉલ્લેખ કરીને અગામી આખું વર્ષ આ મુદ્દાઓ બાબતે સમાજમાં જાગૃતિ લાવવાની જાહેરાત કરી હતી.
ચોપાટીના દરિયામાં વિશેષ નૌકામાં બિરાજમાન ભગવાન મહાવીરની ૧૫ ફૂટ ઊંચી પ્રતિમા, ભગવાનનાં મોક્ષ સમયે ઉપસ્થીત રહેલા ૧૮ રાજાઓના આબેહુબ વેશ તથા હજારો દિવડાંઓથી પ્રકાશિત માહોલ શાંતિ અને અહિંસાનો સંદેશા વાહક બન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button