આમચી મુંબઈ

રવિવારે ૫૪ કિલોમીટર સુધીના મુંબઈના રસ્તા કરાયા ધૂળમુક્ત

સુધરાઈ એક્શન મોડમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હવામાં પ્રદૂષણ માટે કારણભૂત રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા તથા ફૂટપાથને પાણીથી ધોવાનું ચાલુ કર્યું છે, જે અંતર્ગત રવિવારે ૫૪ કિલોમીટર લંબાઈના રસ્તાને પાણીથી સાફ કરીને ધૂળ મુક્ત કરવામાં આવ્યા હતા.

પાલિકાના જણાવ્યા મુજબ રવિવારે મુંબઈમાં ૫૪ કિલોમીટર લંબાઈના રસ્તા કુલ ૨૪ ટૅન્કરના પાણીનો ઉપયોગ કરીને જેટ મશીન, ફાયર ઍક્સ અને અન્ય મશીનોની મદદથી ધૂળમુક્ત કરવામાં આવ્યા હતા. મુંબઈના ૨૪ વોર્ડમાં જે વોર્ડમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ વધુ છે, તે ઠેકાણે મિસ્ટિંગ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો ધૂળનું પ્રમાણ અત્યંત વધુ માત્રામાં છે તે રસ્તા પર બ્રશિંગ કરીને તે ઠેકાણે જેટ મશીનથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ શનિવાર ચાર નવેમ્બરના પંચાવન કિલોમીટર લંબાઈના રસ્તાને ધોવામાં આવ્યા હતા. તો શુક્રવાર ત્રણ નવેમ્બરના ૪૫ કિલોમીટરના રસ્તાને પાણીથી સાફ કરવામાં આવ્યા હતા.

મુંબઈના તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં સિક્સટી ફૂટ કરતા વધુ પહોળા રસ્તા, ભીડભાડવાળી ફૂટપાથને સ્વચ્છ કરીને
તેને પાણીની ધોવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કુલ ૩૫૭ રસ્તા અને ૬૭૬ કિલોમીટર લંબાઈના રસ્તાનો તેમાં સમાવેશ થાય છે. તે માટે દૈનિક રીતે કુલ ૧૨૧ ટૅન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

પાલિકાના સ્લજ ડિવૉટરિંગ, ફાયરેક્સ ટેન્કરનો અને મિસ્ટ બ્લોવિંગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રસ્તાને ધોવા માટે વિવિધ સ્તરે પુન: પ્રક્રિયા કરેલા પાણીનો તેમ સ્થાનિક જળસ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દક્ષિણ મુંબઈમાં મુખ્યત્વે ડૉ. ઍની બેસન્ટ રોડ, ખાન અબ્દુલ ખાન ગફાર રોડ, પેડર રોડ, કફ પરેડ, દાદર શિવાજી પાર્કનો સમાવેશ થાય છે. તો પૂર્વ ઉપનગરમાં એલ.બી.એસ. માર્ગ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને અડીને આવેલા રસ્તાઓ, પશ્ર્ચિમ ઉપનગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પરનો જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ, ઈન્ટરનેશનલ ઍરપોર્ટ રોડ, ફૂટપાથ, મુંબઈ મેટ્રોની આજુબાજુના રસ્તા વગેરેનો સમાવેશ થાય છે.

નિયમનું ઉલ્લંઘન કરનારા પાસેથી
વસૂલાયો ₹ પોણા પાંચ લાખનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા ઍર પૉલ્યુશન અને તેમાં પણ મુખ્યત્વે ધૂળને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા આકરા પગલાં લઈ રહી છે, જે અંતર્ગત ઈમારત સહિતના બાંધકામને તોડી પાડ્યા બાદ નીકળનારા કાટમાળનું ટ્રાર્ન્સ્પોટેશન કરતા સમયે નિયમનું ઉલ્લંઘન કરનારા પાસેથી છેલ્લા ત્રણ દિવસમાં ૪,૭૧,૬૯૨ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

કાટમાળનું વહન કરતા સમયે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં શુક્રવાર, ૩થી રવિવાર પાંચ નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં કુલ ૪,૭૧,૬૯૨ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આગામી સમયમાં આ દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે એવું પાલિકાએ કહ્યું હતું. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાના તમામ
૨૪ પ્રશાસકીય વોર્ડમાં યુદ્ધના સ્તરે જુદા જુદા કામ કરવામાં આવી રહ્યા છે, જેમાં સરકારી, બિનસરકારી સહિત ખાનગી બાંધકામ દ્વારા થનારા ઍર ઑલ્યુશન તેમ જ ધૂળ નિયંત્રણનો પણ સમાવેશ થાય છે. આ પાર્શ્ર્વભૂમિ પર પાલિકા તરફથી ૨૫ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ ગાઈડલાઈન બહાર પાડી હતી. તમામ સંબંધિત યંત્રણા મટે આ ગાઈડલાઈનનું પાલન કરવાનું ફરજિયાત હોઈ તેનું ઉલ્લંઘન કરનારા સંબંધિતો સામે આકરી કાર્યવાહીની ચીમકી પાલિકાએ આપી છે.

પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ બાંધકામ સાહિત્ય (સિમેન્ટ, માટી, ઈંટ વગેરે સહિતનું રો મટિરિયલ) સહિત કાટમાળ વગેરેનું વહન કરનારા તમામ વાહનો ઉપરથી તેમ જ તમામ બાજુએથી ઢાંકેલા હોવા જરૂરી છે, જેથી ટ્રાર્ન્સ્પોટેશન દરમિયાન મટિરિયલ અથવા કાટમાળના કણ હવામાં ભળે નહીં. વાહનોની મર્યાદા કરતા વધુ વજનનું સામાન લઈ જવું નહીં, જેથી કરીને વાહનમાંથી નીચે પડવાનું જોખમ રહે નહીં. દરેક બાંધકામના ઠઠેકાણે નિર્માણ થનારો કાટમાળ એ પાલિકાએ નક્કી કરેલા ઠેકાણે જ નાખવાનો રહેશે. તેમ જ કાટમાળ સહિત તમામ મટિરિયલ ભરેલી ગાડી ખાલી થયા બાદ તે વાહન પૂર્ણ રીતે ધોઈને સ્વચ્છ કરવા જરૂરી રહેશે. પાલિકાએ તે માટે તમામ ૨૪ વોર્ડમાં નજર રાખવા માટે વિજિલન્સ ટીમની સ્થાપના કરી છે.

ત્રણ દિવસની કાર્યવાહી દરમિયાન જી-દક્ષિણ વોર્ડમાંથી રૂ.૧૫,૦૦૦, પી-ઉત્તર વોર્ડમાંથી રૂ. ૮૦,૦૦૦ અને એન વોર્ડમાંથી ૭૦,૦૦૦ રૂપિયા,એસ વોર્ડમાંથી ૪૫,૬૯૨, ટી વોર્ડમાંથી ૫૦,૦૦૦, પી-દક્ષિણ વોર્ડમાથી ૧૩,૦૦૦, કે-પશ્ર્ચિમ વોર્ડમાંથી ૧૦,૦૦૦, એફ-ઉત્તર વોર્ડમાંથી ૪૫,૦૦૦, જી-ઉત્તર વોર્ડમાંથી ૧૦,૦૦૦ એમ કુલ ૪,૭૧,૦૬૯૨ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button