તલાસરીમાં બેરહેમીથી પીટાઈ કરી વૃદ્ધની હત્યા: દંપતી સહિત ત્રણની ધરપકડ
પાલઘર: તલાસરીમાં લાંબા સમયથી ચાલતા વિવાદમાં બેરહેમીથી પીટાઈ કરવાને કારણે વૃદ્ધનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.
ઘોલવડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારની સાંજે બનેલી ઘટનામાં ગજાનન દાવનેનું મૃત્યુ થયું હતું. પાલઘર જિલ્લાના તલાસરી પરિસરમાં ઘરને સમાંતર આવેલા માર્ગને મુદ્દે દાવનેના પરિવાર અને આરોપી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
શુક્રવારની સાંજે ફરી વિવાદ થતાં આરોપીઓએ દાવનેની મારપીટ કરી લાકડાથી ફટકાર્યો હતો. આ હુમલામાં દાવનેની બન્ને આંખ, નાક અને ગુપ્તાંગ પર ગંભીર ઇજા થઈ હતી. પછી દાવનેનો પુત્ર તેમને ઉમરગામની હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં દાવનેને મૃત જાહેર કરાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ દાવનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી એ જ પરિસરમાં રહેતા દંપતી સહિત ત્રણની શનિવારે ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 115(2), 351(3), 352 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)