OLA-UBER એપલ યુઝર્સ પાસેથી એન્ડ્રોઈડ યુઝર્સથી વધુ ચાર્જ વસુલે છે! કંપનીએ આરોપોનો જવાબ આપ્યો…

મુંબઈ: દેશમાં કાર્યરત અગ્રણી કેબ એગ્રીગેટિંગ કંપની ઓલા (OLA) અને ઉબેર (UBER) પર તાજેતરમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતાં. એવા આરોપ હતાં કે બંને કંપનીઓએ એન્ડ્રોઇડ અને એપલ યુઝર્સ માટે એક જ સર્વિસના અલગ અલગ ચાર્જ વસુલે છે. જો કે શુક્રવારે બંને કંપનીઓએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો : OLA, Uberના મનસ્વી નિયમો સામે કેન્દ્ર સરકારની લાલ આંખ: નોટિસ ફટકારી માંગ્યો જવાબ
કંપનીઓ પર આરોપ:
એપલ યુઝર્સ પાસેથી એન્ડ્રોઇડ યુઝર્સ કરતા વધુ ચાર્જ વસુલવાના આરોપો લાગ્યા હતાં. આરોપ મુજબ કંપની મોંઘા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ગ્રાહકોની ખરીદ શક્તિ વધુ હોય છે અને તેઓ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા લોકો કરતા વધુ ચાર્જ ચૂકવી શકે છે, એ આધાર પર કંપનીઓએ સમાન અંતરની રાઈડ માટે માટે એપલ યુઝર્સ પાસેથી વધુ કિંમત વસૂલી રહી છે.
આ આરોપો અંગે કેન્દ્ર સરકાર દ્વારા બંને કંપનીઓને ગુરુવારે નોટિસ ફટકારવામાં આવી હતી, જેના એક દિવસ બાદ બંને કંપનીઓએ આરોપોને ફગાવી દીધા છે.
OLAની સ્પષ્ટતા:
ઓલાએ જણાવ્યું હતું કે તેમણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) સમક્ષ તેમના પરના આરોપો અંગે સ્પષ્ટતા કરી છે અને આ સંદર્ભમાં કોઈપણ ગેરસમજ દૂર કરવા માટે ઓથોરિટીને સહયોગ આપીશું.
ઓલા કન્ઝ્યુમર વિભાગના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “અમારા બધા ગ્રાહકો માટે અમારી પાસે એક સમાન પ્રાઈઝ સ્ટ્રક્ચર છે, અને અમે સમાન રાઇડ્સ માટે યુઝર્સના સેલફોનની ઓપરેટિંગ સિસ્ટમના આધારે ભેદભાવ કરતા નથી.”
UBERનો જવાબ:
ઉબેરના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની પેસેન્જરના ફોનની કંપનીને આધારે કિંમતો નક્કી કરતી નથી. પ્રવક્તાએ જણાવ્યુ કે “કોઈપણ ગેરસમજ દૂર કરવા માટે અમે CCPA સાથે કામ કરવા આતુર છીએ.”
ગૂગલ અને એપલે હજુ સુધી આ આરોપોનો જવાબ આપ્યો નથી.
કેન્દ્રની નોટીસ:
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે જણાવ્યું હતું કે CCPA એ મુખ્ય કેબ એગ્રીગેટર્સને નોટિસ ફટકારી છે જેમાં યુઝર્સના આરોપો માટે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
આ પણ વાંચો : એપ આધારિત કેબ ટેક્સી પર RTOની કાર્યવાહી : 8 મહિનામાં રૂ. 19 લાખ કરતાં વધુનો દંડ વસૂલ
પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આ નોટિસ આવી પ્રેક્ટીસ વિરુદ્ધ અગાઉના અવલોકનો બાદ આપવામાં આવી છે. ગયા મહિને, જોશીએ અલગ અલગ ભાવોને “અન ફેર ટ્રેડ પ્રેક્ટીસ” ગણાવી હતી જે ગ્રાહક અધિકારોનું ઉલંઘન ગણાવ્યું હતું.