દિવાળીમાં તેલના ભાવ નહીં વધે
ગૃહિણીઓને રાહત
મુંબઈ: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે સૂરજમુખી (સનફલોવર) તેલની નિકાસ બંધ થઈ હતી, પરંતુ હવે આ બંને દેશોએ તેલ દ્વારા આવક મેળવવા માટે મોટા પ્રમાણમાં નિકાસ કરવાનું શરૂ કર્યું છે. આ નિકાસને કારણે દિવાળીમાં તેલના ભાવમાં વધારો થવાના કોઇ સંકેતો નથી.
ભારત વિશ્ર્વમાં ખાદ્યતેલનો સૌથી મોટો ગ્રાહક છે. તે જ સમયે, ભારતે તેની કુલ તેલ માગના ઓછામાં ઓછા ૬૦ ટકા આયાત કરવી પડે છે, જેમાં પામ અને સૂર્યમુખી તેલ મુખ્ય છે. સમગ્ર વિશ્ર્વમાં સૂર્યમુખી તેલનો સૌથી મોટો પુરવઠો યુક્રેન અને રશિયામાંથી આવે છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પરંતુ યુદ્ધને કારણે આ દેશોમાંથી થતી નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. હવે બંને દેશોએ તેમની અર્થ વ્યવસ્થાને વેગ આપવા માટે સૂર્યમુખી તેલની નિકાસ કરવાનું શરૂ કર્યું છે. તેનો ફાયદો ભારતને મળી રહ્યો છે.
ખાદ્યતેલ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેન અને રશિયા આ બંને દેશોની ખાદ્યતેલની નિકાસને કારણે ભારતમાં આ તેલની આયાત કિંમતોમાં ઘટાડો થયો છે. હાલમાં મુંબઈ સહિત તમામ શહેરોમાં સૂર્યમુખી તેલનો આયાત દર ૮૩ રૂપિયા પ્રતિ કિલો છે. ૫ ટકા આયાત ડ્યૂટી, અન્ય કર અને પરિવહન ખર્ચ સાથે, આ તેલ બજારમાં મહત્તમ રૂ. ૧૧૫ પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. તેથી, અન્ય તમામ તેલ સસ્તા થઈ રહ્યા છે. મગફળીનો નવો પાક ટૂંક સમયમાં બજારમાં આવશે, ત્યારબાદ આ તેલની સ્થિતિ પણ સ્પષ્ટ થશે.