અમેરિકન કોન્સ્યુલેટમાં બોગસ સર્ટિફિકેટ્સ રજૂ કરવા બદલ શખસ સામે ગુનો
મુંબઈ: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)માં રોજગાર પ્રાપ્ત કરવા માટે અમેરિકન કોન્સ્યુલેટમાં અનુભવનાં બોગસ સર્ટિફિકેટ્સ રજૂ કરનારા શખસ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર આરોપી કેરળનો રહેવાસી છે, જેનું નામ વિવિયન વાલચિરા છે. મંગળવારે સવારે વિઝા ઇન્ટરવ્યુ માટે તેણે અરજી કરી હતી. ટૂંકા સમયગાળા માટે ક્રૂઝ શિપ પર રોજગાર મેળવવા માટે તેણે અનુભવનું સર્ટિફિકેટ સુપરત કર્યું હતું.
બાદમાં શંકા જતાં કોન્સ્યુલેટના અધિકારીઓએ સર્ટિફિકેટમાં ઉલ્લેખ કરેલા ક્રૂઝ લાઇન મેનેજરનો સંપર્ક કરીને તપાસ કરી હતી. મેનેજરે જણાવ્યું હતું કે વિવિયન વાલચિરા નામની વ્યક્તિએ તેમની સાથે ક્યારેય કામ કર્યું નહોતું.
વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન વાલચિરાને સર્ટિફિકેટમાં ચેડાં વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે અન્ય બે જણ સાથે મળીને આ બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું જણાવ્યું હતું.
દસ્તાવેજો બોગસ હોવાની ખાતરી થયા બાદ કોન્સ્યુલેટે વાલચિરાને અમારે હવાલે કર્યો હતો. અમે વાલચિરા અને તેના બે સાથીદાર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હોવાનું બીકેસી (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ) પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.