ઓક્ટોબર હીટ: મુંબઈમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઓક્ટોબર હીટ: મુંબઈમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી

સમગ્ર રાજ્યમાં મુંબઈમાં ઊંચું તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા હાલ વિચિત્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. દિવસના ગરમી અને ઉકળાટ તો મોડી રાતના વાતાવરણમાં ઠંડક જણાઈ રહી છે. એ દરમ્યાન શુક્રવારે મુંબઈમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન રહ્યું હતું. શુક્રવારના નોંધાયેલું ૩૭ ડિગ્રી તાપમાન ઓક્ટોબર મહિનામાં છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલું બીજું સૌથી ઊંચુ તાપમાન હતું. આ અગાઉ ૨૦૧૯ની સાલમાં ૨૨ ઑક્ટોબરના ૩૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મુંબઈમાં ચોમાસાની વિદાય સાથે જ મુંબઈગરા ઑક્ટોબર હીટનો આકરો અનુભવ કરી રહ્યા છે. દિવસ દરમ્યાન ગરમી અને મોડી રાતના ઠંડક વચ્ચે ગુરુવારે સાંજે અચાનક વીજળીના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડયો હતો. આ દરમ્યાન શુક્રવારે દિવસના ભારે ગરમી અને ઉકળાટ સાથે સાંતાક્રુઝમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૩.૩ ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું આ બીજા નંબરનું હાઈએસ્ટ તાપમાન હતું. મુંબઈમાં જોકે ઓક્ટોબર મહિનાનું ઓલટાઈમ હાઈએસ્ટ તાપમાન ૩૮.૬ ડિગ્રી છે, જે ૧૭ ઑક્ટોબર, ૨૦૧૫ના નોંધાયું હતું.

શુક્રવારે કોલાબામાં દિવસનું તાપમાન ૩૫.૬ ડિગ્રી નોંધાયું હતુંં, જે સામાન્ય કરતા ૨.૪ ડિગ્રી વધારે હતું અને લગભગ એક દિવસ પહેલા નોંધાયેલા ૩૫.૮ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. કોલાબા વેધશાળા દ્વારા દિવસનું નોંધાયેલું ૩૫.૮ ડિગ્રી તાપમાન પાંચ વર્ષમાં સૌથી વધુ હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈ શુક્રવારે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. મુંબઈ ત્રણે તરફથી દરિયાથી ઘેરાયેલું છે અને મુંબઈના વાતાવરણને તે અસર કરે છે. શુક્રવારે દરિયાઈ પરથી પવનો મોડેથી ફૂંકાતા તાપમાન વધ્યું હતું.

હવામાન વિભાગે પોતાની ૧૮થી ૨૧ ઑક્ટોબર માટે તેની આગાહીમાં જણાવ્યું હતું કે મુંબઈમાં વાતાવરણ શુષ્ક રહેશે. તો ૧૯ ઑક્ટોબરના ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમ્યાન રાયગડ માટે ૧૯ ઑક્ટોબર માટે યલો અલર્ટ રહેશે, જેમાં વાવાઝોડા સાથે વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી શકે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button