મુંબઈમાં ઓક્ટોબર હીટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં ઓક્ટોબર હીટ

કાળઝાળ ગરમી વચ્ચે તાપમાનનો પારો ૩૪ ડિગ્રીએ પહોંચ્યો
(અમારા પ્રતિનિધી તરફથી)

મુંબઈ: મુંબઈમાં નૈર્ઋત્યના ચોમાસાની વિદાય સાથે જ મુંબઈગરાને ઓક્ટોબરની આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મુંબઈમાં શનિવારે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. આગામી અઠવાડિયા સુધી મુંબઈગરાને ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી.

મુંબઈમાં હજી તો શુક્રવારે જ હવામાન વિભાગે ચોમાસાની વિદાય થઈ હોવાની જાહેરાત કરી હતી અને એ સાથે જ મુંબઈમાં તાપમાનનો પારો ઊંચો નોંધાવાનું શરૂ થઈ ગયું છે. શનિવારે દિવસ દરમ્યાન કાળઝાળ ગરમી અને ઉકળાટની સાથે મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. દિવસના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૧ ડિગ્રી અને સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી જેટલું ઊંચુ નોંધાયું હતું.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસાની વિદાય સાથે જ મુંબઈમાં ઓક્ટોબર હીટ ચાલુ થઈ ગઈ છે. પવનોની દિશા બદલવાની સાથે જ મુંબઈના વાતાવરણમાં પણ ફેરફાર નોંધાયો છે. હાલ મુંબઈમાં પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, તેને કારણે મુંબઈગરાને ઓક્ટોબર હીટનો અનુભવ થઈ રહ્યો છે.

મુંબઈમાં શુક્રવારે મહત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી નોંધાયું હતું અને ૨૪ કલાકની અંદર જ તેમાં એક ડિગ્રીથી વધારો નોંધાયો હતો. આગામી અઠવાડિયામાં પણ મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીની આસપાસ નોંધાવાની શક્યતા છે.
હવામાન વિભાગના અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસું જયારે પાછું ખેંચાય છે ત્યારે પવનોની પેટર્નમાં પણ ફેરફાર થાય છે. ચોમાસા દરમ્યાન પશ્ર્ચિમી પવનો ફૂંકાતા હોય છે પણ હવે પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. જે મુખ્યત્વે ગરમ અને શુષ્ક હોય છે. તેથી આ સમયગાળા દરમ્યાન વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી જતું હોય છે.

આગામી દિવસોમાં ૩૬ ડિગ્રી સુધી પારો જશે

સામાન્ય રીતે મુંબઈમાં ઓક્ટોબર મહિનામાં સરેરાશ ૩૩થી ૩૪ ડિગ્રીની આસપાસ તામાપન નોંધાતું હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓક્ટોબરમાં તાપમાનનો પારો ૩૬ ડિગ્રીથી પર ઉપર નોંધાઈ રહ્યો છે. મુંબઈમાં આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટનું વાતાવરણ રહેશે અને તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી જવાની શક્યતા છે. એ બાદ ઉત્તર અને ઉત્તર-પશ્ર્ચિમના પવનો ફૂંકાશે ત્યારે ગરમીથી થોડી રાહત મળશે. જોકે આ દરમ્યાન ૧૬થી ૧૭ ઑક્ટોબર દરમ્યાન હળવા વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે.

સૌધી વધુ પ્રદૂષણ દેવનારમાં

ચોમાસાની વિદાય સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની સાથે જ વાતાવરણમાં પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થયો છે. ગયા અઠવાડિયાથી હવાની ગુણવત્તા સતત ઘસરી રહી છે. શનિારે મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૫૨ નોંંધાયો હતો. મુંબઈના ૨૬ મોનિટરિંગ સ્ટેશનોમાંથી ફક્ત એક સ્ટેશન બોરીવલી પૂર્વમાં જ એક્યુઆઈ ૮૦ નોંધાયો હતો. બાકી બધી જગ્યાએ એક્યુઆઈ ઊંચો નોંધાયો હતો, જેમાં સૌથી વધુ પ્રદૂષણ દેવનારમાં નોંધાયું હતું. અહીં દિવસ દરમ્યાન એક્યુઆઈ ૨૦૯ થઈ ગયો હતો. કોલાબામાં ૨૦૦ તો મલાડ (પશ્ર્ચિમ)માં ૧૮૯, કાંદિવલી (પશ્ર્ચિમ)માં ૧૭૬, બાન્દ્રા (પૂર્વ)માંં ૧૭૫ અને ચેમ્બુરમાં ૧૬૯ નોંધાયો હતો. આગામી અઠવાડિયામાં દિવાળી છે ત્યારે ફટાકડા ફોડવાને કારણે વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર હજી વધવાની શક્યતા છે.

આ પણ વાંચો…મુંબઈમાંથી નૈર્ઋત્યના ચોમાસાની વિદાય…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button