મરાઠા ક્વોટા જીઆર પાછો ખેંચવાની માંગણી માટે ઓબીસી 10 ઓક્ટોબરે નાગપુરમાં રેલી કાઢશે

નાગપુર: મરાઠા ક્વોટા માટે હૈદરાબાદ ગેઝેટિયર પર સરકારી ઠરાવ (જીઆર) પાછો ખેંચવાની માગણી માટે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના સભ્યો 10 ઓક્ટોબરે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં વિરોધ રેલીનું આયોજન કરશે.
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે અહીં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘સકલ ઓબીસી સમાજ’ શુક્રવારે નાગપુરમાં ‘મહા મોરચો’ કાઢશે.
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ જણાવ્યું હતું કે સમુદાય ઈચ્છે છે કે સરકાર મરાઠા ક્વોટા પર જીઆર પાછો ખેંચે.
ઓબીસી સમુદાય જીઆરથી ખૂબ નારાજ છે અને લાખો લોકો વિરોધ રેલીમાં ભાગ લેશે. મહારાષ્ટ્રભરમાંથી અનેક ઓબીસી સંગઠનો અને સમુદાયના નેતાઓ સવારે 11.30 વાગ્યાની આસપાસ શરૂ થનારા મોરચામાં સહભાગી થશે, એમ તેમણે કહ્યું હતું.
‘આ એક ઐતિહાસિક મોરચો હશે,’ એમ ઓબીસી નેતા વડેટ્ટીવારે કહ્યું હતું.
બીજી સપ્ટેમ્બરના રોજ, દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે હૈદરાબાદ ગેઝેટિયર લાગુ કરવા અંગેનો જીઆર બહાર પાડ્યો હતો, જે મરાઠા સમુદાયના પાત્ર સભ્યોને કુણબી જાતિ પ્રમાણપત્રો માટે અરજી કરવાની મંજૂરી આપશે. આનાથી મરાઠાઓ પ્રમાણપત્રો જારી કર્યા પછી ઓબીસી શ્રેણી હેઠળ ક્વોટાનો દાવો કરી શકશે.
પ્રધાનો છગન ભુજબળ (એનસીપી), પંકજા મુંડે (ભાજપ), ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડે (એનસીપી) અને વડેટ્ટીવાર (કોંગ્રેસ) સહિત અનેક ઓબીસી નેતાઓએ પક્ષની રેખાઓથી આગળ વધીને મરાઠા સમુદાયને અનામત માટે ઓબીસી શ્રેણીમાં સમાવવાના વિચારનો સખત વિરોધ કર્યો છે.
આપણ વાંચો : મોદીએ એવું તે શું કહ્યું કે ફડણવીસ ઍક્શન મોડમાં