એસી લોકલમાં ખુદાબક્ષ મુસાફરોની સંખ્યા વધી , રેલવેએ વસુલ્યો રૂ.115 કરોડનો દંડ
મુંબઇઃ ટિકિટ/પાસ વિના ટ્રેનમાં મુસાફરી કરતા ખુદાબક્ષો સામે પશ્ચિમ રેલવેએ મોટા પગલાં લઇ રહ્યું છે. છેલ્લા આઠ મહિનામાં 2. 94 લાખ ખુદાબક્ષ મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી 115 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ જાણવા મળી છે કે સામાન્ય લોકલની સરખામણીએ એસી લોકલમાં ટિકિટ વિનાના મુસાફરોની સંખ્યામાં 68 ટકાનો વધારો થયો છે.
મુંબઈની લોકલમાં દિન પ્રતિદિન ટિકિટ/પાસ વિના પ્રવાસ કરતા પેસેન્જરોની સંખ્યા વધી રહી હતી, જે રેલવે વિભાગ માટે માથાનો દુખાવો બની રહ્યો હતો, પરંતુ હવે વેસ્ટર્ન રેલવે દ્વારા લોકલ ખુદાબક્ષોને રોકવા માટે ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેએ એપ્રિલથી નવેમ્બર 2023ના આઠ મહિનાના સમયગાળા દરમિયાન 2 લાખ 94 હજાર ટિકિટ વિનાના મુસાફરો સામે કાર્યવાહી કરી છે, જેમાં 115 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઉપનગરીય રેલવે લાઇન પર મફતીયા મુસાફરો પાસેથી રૂ.30 કરોડ 6 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રેલવેના ભાડા સોંઘા હોવા છતાં પણ ટિકિટ વિન્ડો પર લાઇનમાં ઊભા રહેવાના કંટાળા, સમય બચાવવા, ઝંઝટ જેવા વિવિધ કારણોસર મુસાફરો ટિકિટ ખરીદ્યા વિના લોકલ ટ્રેનોમાં મુસાફરી કરે છે. વેસ્ટર્ન રેલ્વેએ આવા મુસાફરો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વિના ટિકિટ પ્રવાસ કરતા પકડાતા પ્રવાસીઓને ભારે દંડ ભરવો પડે છે.
નવેમ્બર મહિનામાં જ ઉપનગરીય રેલવે લાઇન પર 94 હજાર ટિકિટ વિનાના મુસાફરો પાસેથી 5 કરોડ 68 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો . એસી લોકલમાં 44 હજારથી વધુ અનધિકૃત મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.આ મુસાફરો પાસેથી 143.43 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દંડ 68 ટકા વધુ છે.