હવે મહારાષ્ટ્રના સ્પીકર માટે એનસીપીના પ્રમુખે આપ્યું આ નિવેદન

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ અને ચૂંટણીના ચિન્હનો મુદ્દો હવે ચૂંટણી પંચની સમક્ષ છે. હવે ચૂંટણી પંચ પાર્ટીનું નામ અને સિમ્બોલ કોને આપે છે તે નક્કી કરશે. હાલમાં આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે એની વચ્ચે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે સૌથી મોટું નિવેદન આપ્યું છે.
એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે મને લાગે છે કે નાર્વેકર બિનજરુરી સમયનો બરબાદ કરી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી સુધી નિર્ણય લેશે, તેથી અમે કોર્ટમાં ગયા છીએ. સુપ્રીમ કોર્ટ અંગે પણ શરદ પવારે કહ્યું હતું કે જ્યારે અમે કોર્ટમાં ગયા તો ત્યાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. અમારી એક જ માગ છે કે આ નિર્ણય એક નિર્ધારિત સમયગાળામાં લઈ લેવામાં આવે.
શરદ પવારે મહારાષ્ટ્રમાં ડ્રગ રેકેટ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. શરદ પવારે કહ્યું હતું કે નશીલા પદાર્થનું સેવન મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને એના પાછળ કોણ છે અને તપાસ થવી જોઈએ, કારણ કે સમગ્ર દેશમાં તેના મુદ્દે અલગ અલગ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ટેકો આપવા અંગે શરદ પવારે કહ્યું હતું કે ભાજપને ટેકો આપવાની વાતમાં મારી ક્યારેય ભૂમિકા રહેશે નહીં.
એનસીપીના પ્રમુખ શરદ પવારે શુક્રવારે સુપ્રીમ કોર્ટને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેના અને એનસીપીના વિધાનસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર ચોક્કસ સમય મર્યાદામાં નિર્ણય લેવા નિર્દેશ આપવા જણાવ્યું હતું.
અરજીઓ પર નિર્ણય લેવામાં સ્પીકરની જવાબદારી હતી અને તેથી જ એનસીપીએ પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ગેરલાયકાતની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ કરવા બદલ સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિધાનસભા અધ્યક્ષને સખત ઠપકો આપ્યો હતો.