હવે મહારાષ્ટ્રમાં પણ સાધુ સંતો ઊતરશે ચૂંટણી રણાંગણમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં તમામ રસ ધરાવતા ઉમેદવારોની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે થનારી ચૂંટણીમાં એકંદરે રામ મંદિરને કારણે બદલાયેલા વાતાવરણને જોતાં સાધુ મહંતોએ રાજકીય મેદાનમાં ઉતરવાના સંકેત આપ્યા છે. તેથી પ્રસ્થાપિત કાર્યકરોને સાઈડલાઈન કરીને સર્વપક્ષીય મોવડીમંડળ સાધુ મહંતોને ઉમેદવારી આપવી કે કેમ તે અંગે હાલમાં વિચારાધીન હોવાનું જોવા મળ્યું છે.
અયોધ્યામાં બનેલા રામ મંદિરના ભવ્ય દિવ્ય સમારોહ બાદ હવે સાધુ મહંતોએ રાજકીય મંચ પર પોતાની હાજરી વધારી દીધી છે. ત્રણથી ચાર જેટલા સાધુ મહંતોએ નાશિક લોકસભા બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં મોટા પ્રમાણમાં અનૂયાયીઓ ધરાવતા શાંતિગીરી મહારાજે નાસિક અથવા છત્રપતિ સંભાજી નગરમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ત્ર્યંબકેશ્ર્વરના સ્વામી શ્રી કંથાનંદે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. નાસિકના આધ્યાત્મિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા મહંત અનિકેત શાસ્ત્રી મહારાજ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.
હાલ દેશમાં ભાજપની લહેર જોવા મળી રહી છે આથી સાધુસંતોની પહેલી પસંદ સીધી ભાજપ છે, પરંતુ જો સમયસર ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો અન્ય વિકલ્પો પણ શોધવામાં આવી રહ્યા છે. જોકે ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ અંગે કોઈ સ્પષ્ટ વાત કરી ન હોવા છતાં મુનગંટીવારે કરેલી સૂક્ષ્મ ટિપ્પણીને ધ્યાનમાં લેવામાં આવે તો ઘણું સમજાઈ જશે. તેમણે કહ્યું હતું કે બાબા રાજકારણમાં આવે તો સારું કહેવાય, પરંતુ રાજકીય નેતાઓએ બાબા ન બનવું જોઈએ.
નાસિક લોકસભા મતવિસ્તાર શિવસેનાનો એક પરંપરાગત મતવિસ્તાર છે અને હેમંત ગોડસે સતત બે વખત નાસિકથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. આ વર્ષે અહીં ઉમેદવાર આપવા અંગે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે શું નક્કી થાય છે તેના પર બધું નિર્ભર છે, પરંતુ સાધુ મહંતો મેદાનમાં ઉતર્યા હોવાથી નાસિક લોકસભા ચૂંટણીની રંગત વધશે તે નિશ્ચિત છે.