હવે શિંદે જૂથમાં ડખો ગજાનન કીર્તિકરે રામદાસ કદમને ગણાવ્યા ગદ્દાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનામાં રહેલા આંતરિક વિખવાદને કારણે ભાગલા પડ્યા અને શિંદે જૂથ અલગ થયું હતું, પરંતુ હવે શિંદે જૂથમાં નેતાઓમાં આંતરિક ડખા થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. શિંદે જૂથના બે ટોચના નેતાઓ વચ્ચે શનિવારે વિખવાદ હોવાનું બહાર આવ્યું હતું. સંસદસભ્ય ગજાનન કીર્તિકરે પીઢ નેતા રામદાસ કદમની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી છે.
રામદાસ કદમે એવી ટીકા કરી હતી કે ગજાનન કીર્તિકરે પાર્ટીની પીઠમાં ખંજર ન મારવું જોઈએ, જેના પર હવે ગજાનન કીર્તિકરે એવી ટીકા કરી છે કે રામદાસ કદમ તો ગદ્દાર છે. રામદાસ કદમે કહ્યું હતું કે ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં છે અને તેમનો દીકરો ઠાકરે જૂથમાં છે. ફક્ત લોકસભાની ઉમેદવારી પત્રક ભરીને ઘરે બેસી રહેશો નહીં. પક્ષ સાથે બેઈમાની ન થાય તેનું ધ્યાન રાખો. તમારો વિરોધ કરવાનું કોઈ કારણ નથી, પરંતુ એક જ ઓફિસમાં પિતા અને પુત્ર બંને બેસે છે. શું કરે છે તે આખી દુનિયા જોઈ રહી છે. દીકરો ઠાકરે જૂથમાં અને તમે શિંદે જૂથમાંથી ઉમેદવારી નોંધાવશે અને પછી દીકરાને બિનવિરોધ જીતાડી દેશો. આવું કાવતરું ન થાય તે આવશ્યક છે. પક્ષની પીઠમાં ખંજર મારશો નહીં.
કદમની ટીકાથી ચીડાયેલા ગજાનન કીર્તિકરે તેમની ટીકા કરતાં કહ્યું હતું કે રામદાસ કદમની ગદ્દારીનો ઈતિહાસ ઘણો લાંબો છે. ૧૯૯૦માં હું મલાડ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે રામદાસ કદમ ખેડમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. મારા મલાડ વિધાનસભા વિસ્તારના કાંદિવલીના બધા કાર્યકર્તાને તેઓ ખેડમાં લઈ ગયા હતા અને મને પાડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડ-ભરણા નાકાથી ભોર-પુણે સુધી શરદ પવારની કામમાં બેસીને રામદાસ કદમ એનસીપીમાં પ્રવેશ કરવા માટે ચર્ચા કરી રહ્યા હતા તે વસ્તુ તેમણે ભૂલવી ન જોઈએ, ખેડના શિવસૈનિકો પણ આ વસ્તુ ભૂલ્યા નથી. આટલું જ નહીં, કાંદિવલી પુર્વમાં મનપાના વોર્ડમાંથી તેમનો સગો ભાઈ સદાનંદ કદમ શિવસેનામાંથી લડી રહ્યો હતો ત્યારે તેમને જીતાડશો નહીં એવી દમદાટી બધા કાર્યકર્તાને કદમ કરતા હતા, એમ પણ તેમણે કહ્યું હતું.
અનંત ગીતેને હરાવવા માટે પણ કદમે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રયાસ કર્યા હતા એવો ધડાકો કરતાંં તેમણે કહ્યું હતું કે કોંકણના નિષ્ઠાવાન શિવસૈનિકો પડખે ઊભા રહ્યા હોવાથી જ ગીતે લોકસભામાં પહોંચી શક્યા હતા.
રામદાસ કદમના પુત્ર સિદ્ધેશને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા થઈ રહી છે અને તેથી તેઓ વિવિધ માર્ગે ખોટા અહેવાલો વહેતા કરી રહ્યા છે. તેમની દબાણને શિંદે વશ થઈ રહ્યા નથી. એટલે જ હવે તેઓ લોકોના મનમાં ભ્રમ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. તેમણે પોતાનું આવું વર્તન તત્કાળ રોકી દેવું જોઈએ, એમ પણ ગજાનન કીર્તિકરે કહ્યું હતું.