હવે ટકલા વાયરસનો શિકાર બની મહિલાઃ બુલઢાણાની આ ગંભીર સ્થિતિનો કોઈ ઈલાજ છે કે નહીં?
મુંબઇઃ કોરોના વાયરસથી લોકોને માંડ માંડ છુટકારો મળ્યો છે, ત્યાં હવે એક નવા વાયરસે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં એક વિચિત્ર અને ખતરનાક વાયરસ ફેલાયો છે, જેનાથી લોકો ઘણા ડરી ગયા છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે એમાં માત્ર ત્રણ દિવસની અંદર જ દર્દીઓના માથાના વાળ ગાયબ થઈ જાય છે અર્થાત લોકો ત્રણ દિવસમાં જ ટકલા થઈ જાય છે.
બુલઢાણા જિલ્લાના શેગાવ તહસીલના લગભગ 15 ગામો આ અસામાન્ય જણાતી બીમારીની ઝપેટમાં આવી ગયા છે. હિંગળા, બોન્ડ ગાંવ, ભોટા અને પહુર પૂર્ણા જેવા ગામોમાં લોકો ટકલા થવા માંડ્યા છે. આ બીમારીમાં લોકોના વાળ અચાનક જ ખરવા માંડે છે અને ત્રણ દિવસમાં તો માથામાં સંપૂર્ણ ટાલ પડી જાય છે. આ કારણે હવે આ બીમારીને ‘ટકલા વાયરસ’ એવું નામ આપવામાં આવ્યું છે જો કે, તેના લક્ષણો શું છે તેના વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ એમ કહેવાય છે કે આ રોગની શરૂઆતમાં માથામાં ખંજવાળ આવવા માંડે છે અને એ પછી ધીમે ધીમે માથા પરથી વાળ ખરવા માંડે છે અને ત્રણેક દિવસમાં તો આખું માથું બોડકુx થઈ જાય છે, બધા વાળ હાથમાં આવી જાય છે. બાળકો વૃદ્ધો અને મહિલાઓ પણ આ રોગનો ભોગ બની રહી છે.
સોશિયલ મીડિયા પર એક 25 વર્ષીય મહિલાનો વિડીયો પણ આવ્યો છે, જેમાં જોવા મળે છે કે તેના માથા પરના વાળ હાથ લગાવતા જ આસાનીથી હાથમાં આવી જાય છે અને તેના માથા પર સંપૂર્ણપણે ટાલ પડી જાય છે. આ રોગને કારણે ગ્રામજનોમાં ભારે ભય અને ગભરાટનું વાતાવરણ છે. નાગરિકોમાં વાળ ખરવાના અને ટાલ પડવાના બનાવોથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે. શેગાવની બાદ હવે નાંદુરા તાલુકામાં પણ આ રોગના વાયરસ પ્રવેશી ગયા છે. અહીંયા પણ લોકોને માથે ઝડપથી ટાલ પડવા માંડી છે.
આ બીમારી દિવસે દિવસે ગંભીર રૂપ ધારણ કરી રહી છે અને આ ગંભીર કેસોની તપાસ માટે હવે આઈસીએમઆર દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝિસ કંટ્રોલની ટીમ અહીં મોકલવામાં આવી છે અને આ રોગનું કારણ જાણવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ રોગનું કારણ જાણવા મળશે.
આ પણ વાંચો…IRCTC પોર્ટલના ધાંધિયા યથાવત્ઃ ‘તત્કાલ’ બુકિંગ વખતે જ ‘રીગ્રેટ’, પ્રવાસીઓ લાલઘૂમ
શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે ફંગલ ઇન્ફેક્શનના કારણે લોકોના માથે ટાલ પડી રહી છે, પરંતુ બાયોપ્સી ટેસ્ટિંગ પછી ખબર પડી છે કે આ ફંગલ ઇન્ફેક્શન નથી તો હવે ટાલ પડવાનું કારણ શું છે તે એક રહસ્ય બની રહ્યું છે. દર્દીઓના નખ, ચામડી, અહીંનું પાણી અને માટીના નમૂના લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેને કારણે જ આમ લોકોને માથે ટાલ પડી રહી છે કે શું તે હજી સુધી જાણવા મળ્યું નથી.