હાલાકીના સમાચાર નોંધી લેજોઃ આ તારીખથી WRમાં રોજ થશે સેંકડો લોકલ ટ્રેન Cancel
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું કામકાજ ઝડપથી પૂરું કરવાનું લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું છે. ખાર અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે 8.8 કિલોમીટર લાંબી વધારાની લાઈનનું નિર્માણ કરવામાં આવશે, તેથી મુંબઈ સબર્બનમાં રોજ 250થી 300 લોકલ ટ્રેનને રદ કરવામાં આવશે, તેથી ટ્રેનસેવા પર અસર પડશે.
આ નવી લાઈન માટે સાતમી ઓક્ટોબરથી કામકાજ ચાલી રહ્યું છે, જેમાં નોન-ઈન્ટરલોકિંગ કામગીરી માટે 26મી ઓક્ટોબરથી પાંચમી નવેમ્બર, 2023 સુધી બ્લોક રહેશે, તેથી રોજ સેંકડો ટ્રેનોને રદ કરવામાં આવશે. 27મી ઓક્ટોબરથી છઠ્ઠી નવેમ્બર, 2023ના લગભગ 2,525 જેટલી ટ્રેન રદ રહેશે, તેથી પ્રવાસીઓને ટ્રેનોમાં ભયંકર ભીડનો સામનો કરવાની નોબત આવશે.
27મી ઓક્ટોબરથી બ્લોક શરુ થશે, જ્યારે પાંચમી નવેમ્બર સુધી રોજ મહત્તમ ટ્રેન રદ રહેશે, જેમાં 27 અને 28મી ઓક્ટોબરના 256 (અપ એન્ડ ડાઉન), 29મી ઓક્ટોબરના 230 (અપ એન્ડ ડાઉન), 30, 31 ઓક્ટોબર અને પહેલી-બીજી, ત્રીજી નવેમ્બરના 316 (અપ એન્ડ ડાઉન) તથા ચોથી અને પાંચમી નવેમ્બર (શનિવાર/રવિવાર)ના અનુક્રમે 93 અને 110 જેટલી ટ્રેન રદ રહેશે.
તહેવારોના દિવસોમાં પશ્ચિમ રેલવેની લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડશે, કારણ કે આગામી દિવસોમાં સ્પેશ્યલ બ્લોક હાથ ધરવામાં આવશે. સાતમી ઓક્ટોબરથી પશ્ચિમ રેલવેમાં રોજ ટ્રેનો રદ રહે છે, પરંતુ એના મુદ્દે પ્રશાસનના પેટનું પાણી પણ હાલતું નથી.
તમારી જાણ ખાતર જણાવવાનું કે 27મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબરના રદ થનારી લોકલ ટ્રેનનું શિડ્યુલ જાણી લેજો.
રદ થનારી ટ્રેનનું લિસ્ટ જોવું હોય તો લિસ્ટને ક્લીક કરી ડાઉનલોડ કરજો