શિક્ષકો જ નહીં પણ ડોક્ટરોને પણ સોંપાશે Election Duty, જેને કારણે…
મુંબઈઃ રાજ્યામાં શિક્ષકોને ઈલેક્શન ડ્યૂટી ના સોંપવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે ત્યાં હવે ડોક્ટરોને પણ ઈલેક્શન ડ્યૂટી સોંપવાની તૈયારીઓ કરાઈ રહી છે. મુંબઈના ઈતિહાસમાં પહેલી વખત જ ડોક્ટરોને ઈલેક્શન ડ્યૂટી લગાવવામાં આવશે. જેને કારણે દર્દીઓની સારવાર કરવાની જવાબદારી જે ડોક્ટરના ખભે છે એ ડોક્ટરો પર વધારાનો બોજો નાખીને તેમને ઈલેક્શન ડ્યૂટી કરવાની જવાબદારી સોંપવામાં આવશે અને આરોગ્ય સેવા પર વિપરીત અસર જોવા મળશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
મુંબઈ મહાનગર પાલિકાની કેઈએમ, સાયન, કુપર અને નાયર ડેન્ટલ હોસ્પિટલના આશરે 500 ડોક્ટરોને ઈલેક્શનની ડ્યૂટી લગાવવામાં આવશે એવી માહિતી સામે નર્સથી લઈને ડીન સુધી તમામને ચૂંટણીના કામો સોંપવામાં આવશે, જેને કારણે મેડિકલ સર્વિસ પર અસર જોવા મલશે. મુંબઈ મહાનગર પાલિકાની હોસ્પિટલનો 80 ટકા સ્ટાફ ઈલેક્શન ડ્યૂટી પર જશે.
ચૂંટણીના કામમાંથી ડોક્ટર અને મેડિકલ સ્ટાફને છૂટ આપવામાં આવી હોવા છતાં પણ ચૂંટણી પંચે ડોક્ટરોને ઈલેક્શન ડ્યૂટી પર હાજર રહવાનો આદેશ આપ્યો છે. કેઈએમ હોસ્પિટલની 900માંથી 600 નર્સને ઈલેક્શન ડ્યૂટી આપવામાં આવી છે, જેને કારણે પાલિકાની મુખ્ય હોસ્પિટલની હેલ્થ સર્વિસ ઠપ્પ થવાની પૂરેપૂરી શક્યતા છે.
ચૂંટણી પંચના કામકાજ પર મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ સવાલ ઉપસ્થિત કર્યા હતા. ચૂંટણી પંચ શિક્ષકોને ઈલેક્શન ડ્યૂટી આપે છે તો ચૂંટણી પંચ ખુદ શું કરે છે? પાંચ વર્ષ ચૂંટણી પંચને શું કામ હોય છે, એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો.