મોદી 3.0 કેબિનેટમાં અજિત પવારની એનસીપીના એક પણ નેતાને સ્થાન નહીં?

મુંબઈઃ એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)માં સહયોગી પક્ષના ટેકાથી નરેન્દ્ર મોદીને આજે ત્રીજી ટર્મ માટે શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે દરેક રાજ્ય અને પક્ષમાંથી કોને પ્રધાનપદ મળે એના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સાથી પક્ષોમાંથી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને કદાચ પ્રધાનમંડળમાં સમાવેશ કરી શકાય નહીં એવી અટકળો તેજ બની છે. કેબિનેટમાં તમામ પક્ષને સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ અજિત પવારની પાર્ટી (એનસીપી)ને કોઈ ફોન આવ્યો નથી. પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે પ્રધાનપદ માટે વિવાદ થયો હોવાની વાત છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ કહ્યું હતું કે પહેલા પાર્ટીમાં ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવો.
આ પણ વાંચો : સરકાર બનાવનાર NDA ગઠબંધનમાં એકપણ ખ્રિસ્તી, મુસ્લિમ કે શીખ સાંસદ નહિ
એનસીપીના બે સાંસદ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ રાજ્યસભાના સાંસદ છે, જ્યારે સુનીલ તટકરે લોકસભામાં ચૂંટાયા છે. આ બંને નેતાઓ મંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. આમ છતાં સવાલ એ છે કે પ્રધાનપદ કોને મળશે. આ સંબંધમાં અત્યાર સુધી કોઈ નક્કર માહિતી મળી નથી.
પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેની વચ્ચે ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે એનસીપીના વરિષ્ઠ નેતાઓ દિલ્હી સ્થિત તટકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં એનસીપીના નેતા અજિત પવાર, સુનીલ તટકરે, પ્રફુલ પટેલ, છગન ભુજબળ સહિત ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષ તરફથી વિવાદના ઉકેલ માટે ચર્ચા થઈ હતી, પરંતુ અત્યાર સુધીમાં કોઈ સમાધાન થયું નથી. દોઢ કલાક ચાલેલી બેઠક પછી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ બેઠકમાંથી બહાર ગયા હતા.