કાંદા નહીં, પણ લસણ રડાવે છે: ૫૦૦ રૂપિયા કિલોનો થયો ભાવ
મુંબઈ: માત્ર કાંદા જ ગૃહિણીઓને રડાવે છે એવું નથી, શાકભાજીના આસમાને આંબતા ભાવ પણ ગૃહિણીઓના આંખેથી આંસુ વહાવડાવે એવા થઇ ગયા છે. થોડા વખત પહેલા કાંદાના ઊંચા ભાવોના કારણે સામાન્ય જનતા પરેશાન હતી, પણ હવે લસણના ભાવો અધધ વધી રહ્યા છે.
હજી ત્રણ દિવસ પહેલા લસણના ભાવો મુંબઈ શહેરમાં ૪૦૦ રૂપિયા કિલોના ભાવે પહોંચ્યા હતા અને હવે દેશના અનેક શહેરોમાં લસણના ભાવ ૫૦૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે.
એક તો શિયાળાની ઋતુ ચાલી રહી છે અને લસણનો ઉપયોગ થાય તેવી વાનગીઓ લોકો બનાવતા હોય છે, પરંતુ લસણના ઊંચા ભાવોના કારણે આ વાનગીઓ બનાવવાથી પણ લોકો અચકાય છે. તે પણ કોલકતાથી માંડીને અમદાવાદ સુધી કોઇપણ શહેર લઇ લો, તેના ભાવો સામાન્ય જનતાની પહોંચથી બહાર થઇ ગયા છે.
લસણના ભાવો વિવિધ શહેરોમાં ૪૫૦ રૂપિયા કિલોથી માંડીને ૫૦૦ રૂપિયા કિલો ચાલી રહ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાતના શહેરોમાં લસણની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.
છેલ્લાં પંદર જ દિવસમાં લસણના ભાવોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. ૨૦૦ રૂપિયે કિલો મળતું લસણ હવે અચાનક ૫૦૦ રૂપિયાનું થઇ ગયું છે. થોડા સમય પહેલા કાંદાના ભાવો આસમાને પહોંચ્યા હતા. જોકે છેલ્લાં બે મહિનામાં કાંદાના ભાવોમાં ૭૫ ટકા ઘટાડો થયો છે.ઉ