ઉત્તર કાશી સિલ્કયારા ટનલની ઘટના કોસ્ટલ રોડ ટનલ પર ઊંચી ઈમારતોની યોજના પર ફેર વિચારણા
મુંબઈ: દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારના લિટલ ગિબ્સ માર્ગ પર કોસ્ટલ રોડ ટનલ ઉપર બે ઊંચી ઈમારતના બાંધકામના આયોજનની ફેર ચકાસણી કરવાનું નક્કી થયું છે. ઉત્તરકાશીમાં સિલ્કયારા બોગદાની દુર્ઘટનાને પગલે સુરક્ષાના કારણસર ફેર પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિલ્કયારા ટનલ તૂટી પડવાને કારણે ૧૭ દિવસ સુધી ૪૧ લોકો એમાં ફસાયેલા રહ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકાના કોસ્ટલ રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટને ૩ – ૪ માળના બેઝમેન્ટ ધરાવતી બે ઊંચી ઈમારત બાંધવાના પ્રોજેક્ટનું પુન: પરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે. સુરક્ષાનાં ધોરણોની ફરી ચકાસણી કરવા સંદર્ભે સંબંધિત કંપનીઓને પત્ર મોકલવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં પરવાનગી મેળવવામાં આસાની મળે એ માટે આ કંપનીઓ સંપર્ક કરી આપવાનું કામ (લાયનાઈઝીંગ ક્ધસલ્ટન્ટ્સ) કરે છે.
૧૫ જૂન, ૨૦૨૨ના દિવસે ચાર સ્તરના બેઝમેન્ટ ધરાવતા ૧૮ માળના બિલ્ડિંગ માટે કોસ્ટલ રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા આકાર આર્કિટેક્ટ્સ એન્ડ ક્ધસલટન્ટ્સને ના હરકત પ્રમાણપત્ર (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ – એનઓસી) આપવામાં આવ્યું હતું. બીજી નવેમ્બર, ૨૦૧૮ના દિવસે ત્રણ સ્તરના બેઝમેન્ટ ધરાવતા ૭ માળના બિલ્ડિંગ માટે બરાઈ આર્કિટેક્ટ્સને એનઓસી આપવામાં આવ્યું હતું. એક સમયે જ્યાં બે બંગલો હતા એ સ્થળે રિડેવલપમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે.