સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારો નોઈડામાં પકડાયો
આરોપીએ ખંડણી માગી નહોતી, પરંતુ નાણાં વસૂલવાનો તેનો ઇરાદો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીને જાનથી મારવાની કથિત ધમકી આપનારો ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી પકડાયો હતો. આરોપી ધમકીભર્યા મેસેજમાં ખંડણી માગી નહોતી, પરંતુ તેનો ઇરાદો નાણાં પડાવવાનો હતો, એવું તપાસમાં સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ ગુફરાન ખાન (20) તરીકે થઈ હતી. ખાને તેના મોબાઈલ ફોન પરથી ધમકીભર્યો મેસેજ અને કૉલ કર્યા હતા. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી સોમવારે આરોપીને તાબામાં લીધો હતોે.
Also read: Death Threat: બિશ્નોઈ ગેંગની ઝિશાન સિદ્દીકીને લાસ્ટ વોર્નિંગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
પોલીસ ફરિયાદ અનુસાર બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરાયેલા એનસીપીના નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીની બાન્દ્રા પૂર્વમાં આવેલી પબ્લિક રિલેશન ઑફિસમાં 25 ઑક્ટોબરે આરોપીએ કૉલ કર્યો હતો. તે પહેલાં આરોપીએ ઑફિસના મોબાઈલ નંબર પર ધમકીભર્યો મેસેજ પણ કર્યો હતો. ઝીશાન અને અભિનેતા સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આરોપીએ આપી હતી. ઑફિસના સ્ટાફે માહિતી આપ્યા પછી આ પ્રકરણે ઝીશાને નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Also read: Assembly Election: બોલો, એકનાથ શિંદેની આવક 5 વર્ષમાં પચાસ ટકા ઘટી…
આરોપીને વધુ પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવ્યો હતો. જોકે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ ધમકી આપી ધીરે ધીરે નાણાં વસૂલવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે બાન્દ્રા પૂર્વમાં 12 ઑક્ટોબરની રાતે ગોળી મારી ઝીશાન સિદ્દીકીના પિતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની જવાબદારી ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈએ સ્વીકારી હતી. લૉરેન્સ બિશ્ર્નોઈ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં છે.