નિયમોનો ભંગ કરતા વાહનોના ફોટા અપલોડ કરવા વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ ન કરો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નિયમોનો ભંગ કરતા વાહનોના ફોટા અપલોડ કરવા વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ ન કરો

મુંબઈ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનોના ફોટા અપલોડ કરવા માટે વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ ન કરવાની સૂચના મહારાષ્ટ્ર હાઇવે પોલીસે ટ્રાફિક પોલીસને આપી છે. આવા વાહનોના ફોટા રીયલ ટાઇમમાં અપલોડ થતી ન હોવા સંબંધી ચિંતા અને તેને કારણે બનતા ખોટા ચલાનને ધ્યાનમાં રાખી આ સૂચના અપાઇ છે.

વિધાન ભવન ખાતે 2 જુલાઇના રોજ પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇક સાથે વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની યોજાયેલી બેઠક દરમિયાન આ ચિંતાઓ ઉઠાવવામાં આવી હતી.

બેઠક દરમિયાન ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પદાધિકારીઓએ ટ્રાફિક પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોના ફોટા પાડવા તેમના વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ કરવા અને તેમની સુવિધા મુજબ ઇ-ચલાન મશીનમાં અપલોડ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી ટ્રાફિક પોલીસે ‘આ’ રીતે વસૂલ્યો 17 કરોડનો દંડ

તેમની ફરિયાદ હતી કે ફોટા રિયલ ટાઇમમાં અપલોડ થતા ન હોવાથી વાહનમાલિકોને ખોટા ચલાન જારી કરવામાં આવે છે, જેથી વિસંગતિઓ ઊભી થાય છે. આ બેઠકમાં પ્રધાને આવી કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી. હાઇવે પોલીસે આ બેઠકની ગંભીર નોંધ લીધી છે અને ટ્રાફિક પોલીસને વાહનોના ફોટા પાડવા માટે વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે.

એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, હાઇવે પ્રવીણ સાળુંખે દ્વારા આ સૂચના જારી કરવામાં આવી છે, જેમાં તમામ પોલીસ કમિશનર તેમ જ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવાનું જણાવાયું છે. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button