પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં: પાલિકા કમિશનર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલુ આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના બિલ વેબસાઈટ પર ૧૦થી ૧૫ ટકાના વધારા સાથે મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળતાં ભારે હોબાળો મચી જતાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને શનિવારે એવી સ્પષ્ટતા કરવી પડી કે પ્રોપર્ટી ટેક્સમાં હાલ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
વેબસાઈટ પર ૧૫ ટકા વધારાના સાથે પ્રોપર્ટી ટેક્સના બિલ મૂકી દીધા હતા, પરંતુ હોબાળો થયા બાદ પાલિકા કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે કે ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે મુંબઈ મનપાએ વેબસાઈટ પર અપલોડ કરેલા બિલમાં બે રકમનો ઉલ્લેખ કર્યો છે, જેમાં એક રકમ વાસ્તવિક બિલની છે અને બીજી રકમ ચૂકવવાપાત્ર બિલની છે.
મુંબઈના નાગરિકોમાં આને કારણે કેટલોક ગુંચવાડો સર્જાયો હોવાનું જોવા મળી રહ્યું છે, તેથી એવી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે વેબસાઈટ પર આપવામાં આવેલા બિલમાં જે રકમ ‘ચૂકવવાપાત્ર’ દર્શાવવામાં આવી છે એ જ રકમ ભરવાની છે અને આ રકમ ગયા વર્ષ (૨૦૨૨-૨૩)ની જેટલી જ છે. આમ પાલિકાના બિલમાં કોઈ વધારો થયો નથી.
નોંધનીય છે કે પ્રોપર્ટી ટેક્સમાં દર પાંચ વર્ષે સુધારો કરવામાં આવે છે. છેલ્લા ૨૦૧૫ની સાલમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો, તે મુજબ ૨૦૨૦ની સાલમાં આ વધારો અપેક્ષિત હતો. પરંતુ કોવિડ મહામારીને પગલે વધારો મુલતવી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન માર્ચમાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં હાઈકોર્ટમાં પડકારતી પાલિકા દ્વારા દાખલ કરવામાં આવેલી રીવ્યુ પીટીશન ફગાવી દીધી હતી, જેણે પૂર્વવર્તી કર આકરણી માટે ઘડવામાં આવેલા નિયમોને બાજુએ રાખ્યા હતા. આ ગૂંચવણને કારણે પ્રોપર્ટી ટેક્સના મિલ મોકલવામાં વિલંબ થયો હતો.
આ દરમિયાન પાલિકા પ્રશાસને પહેલી એપ્રિલ, ૨૦૨૩થી ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી અમલમાં રહેનારા દરમાં સુધારો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે આગામી વર્ષમાં આવનારી ચૂંટણીને કારણે આ નિર્ણયને મુલતવી રાખવો પડ્યો હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.